ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરી રેલી યોજી
ઉના તાલુકાના સનખડા ગામના રાજેશભાઈ નાનજી ભાઈ ગોહિલે ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP) માં નવ મહિનાની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તમિલનાડુના શિવગંગઈ ખાતે તાલીમ પૂર્ણ કર્યા બાદ રાજેશભાઈના આગમનથી સમસ્ત સનખડા ગામ અને તાલુકાભરના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.હાઈવે રોડથી તેમનું સામૈયું કરવામાં આવ્યું હતું. મોટરસાઈકલ રેલી અને ફોરવ્હીલ વાહનોના કાફલા સાથે જવાન રાજેશભાઈ ગોહિલ ગામમાં પ્રવેશ્યા હતા. ઢોલ-નગારાના તાલે ગ્રામજનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સૌપ્રથમ, રાજેશભાઈ તેમની અભ્યાસની જગ્યા એમ.જી. દામણી હાઈસ્કૂલમાં પહોંચ્યા. ત્યાં તેમણે સરસ્વતી માતાને પુષ્પહાર અર્પણ કર્યા અને શિક્ષકો તથા ગુરુજનોના આશીર્વાદ લીધા. શાળાના વિદ્યાર્થી ઓએ તેમના સન્માનમાં નારા લગાવ્યા અને શિક્ષકોએ પણ તેમનું વિશેષ સન્માન કર્યું. ત્યારબાદ, ક્ધયા શાળા માં નાની દીકરીઓ, શિક્ષિકાઓ અને સ્ટાફે રાજેશભાઈ નું અભિનંદન કરવામાં આવ્યું.
ગામમાંથી પસાર થઈને તેઓ પોતાના ઘરે પહોંચ્યા, જ્યાં તાલુકા ભરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડોક્ટર હમીરભાઈ ગોહિલ, હરજીભાઈ સાખટ, અરજણભાઈ ડાયાભાઈ ચૌહાણ, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ચેરમેન વીરાભાઈ ઝાલા, સામાજિક કાર્યકર ગંભીરસિંહ ગોહિલ, સનખડા ગામ ના તલાટી કમ મંત્રી કુણાલભાઈ ગોહિલ, રાજકીય અગ્રણીઓ, ડોકટરો, વકીલો, શિક્ષકો, વિવિધ સમાજના સામાજિક કાર્યકર્તાઓ, પોલીસ જવાનો, આર્મીમાં પસંદગી પામેલા અને નિવૃત્ત જવાનો, વડીલો, સાધુ-સંતો, મહંતો, મહિલાઓ સહિત સમસ્તગ્રામજનો હાજર રહ્યા હતા.આ પ્રસંગે રાજેશભાઈએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે, આપણા ગામ તેમજ ઉના તાલુકાના શિક્ષિત યુવાનો માતૃભૂમિ અને દેશની રક્ષા માટે લશ્કરી દળોમાં જોડાય. તેમના આ પ્રેરણાદાયી સંદેશથી નાના એવા ગામના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.કાર્યક્રમ દરમિયાન “ભારત માતા કી જય” અને “જય જવાન જય કિસાન” જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમથી ગામના યુવાનોને દેશસેવાની પ્રેરણા મળી હતી અને વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
