સમાજ જાગરણ અને રાષ્ટ્રહિત લક્ષી કાર્યક્રમોનો પ્રચાસ કરાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વેરાવળ-સોમનાથ નગરમાં ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજ જાગરણ અને રાષ્ટ્રહિતલક્ષી કાર્યક્રમોનો પ્રચાર કરવાનો હતો. આ અભિયાન 13 ડિસેમ્બર 2025 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયું હતું. જેમાં 24 ટુકડીઓ, 160 થી વધુ સંઘ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. વેરાવળ-સોમનાથ અને કોડીનાર નગરની છ વસ્તીમાં પાંચ હજારથી વધુ ઘરોનો સીધો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સ્વયંસેવકોએ ઘરે ઘરે જઈને ’પંચ પરિવર્તન’ના વિચારવિમર્શ સાથે પત્રિકાઓ, પુસ્તિકાઓ અને સંવાદ દ્વારા સમાજ સુધી સંદેશ પહોંચાડયો. ’પંચ પરિવર્તન’માં સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વઆધારિત જીવન અને નાગરિક કર્તવ્યબોધ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંઘના કાર્યવાહક પ્રફુલભાઈ હરિયાણીએ જણાવ્યું હતું કે, વેરાવળ-સોમનાથ નગરમાં રાષ્ટ્રસેવા માટે સ્વયંસેવકોને આહ્વાન કરાયું હતું. આ અભિયાનમાં માતૃશક્તિએ પણ વિશેષ ભૂમિકા ભજવી હતી. માતૃશક્તિએ સમાજ સાથે સીધો સંવાદ સાધી સનાતન સંસ્કાર અને સામાજિક જાગરણ માટે મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા. અભિયાન દરમિયાન સ્વયંસેવકોએ પરિવારો સાથે બેઠકો યોજી સંઘનો સંદેશ દરેક વ્યક્તિ અને ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આના પરિણામે વેરાવળ-સોમનાથ નગરમાં પ્રથમ વખત સંપર્ક કરાયેલા સનાતન હિન્દુ પરિવારોની સુવ્યવસ્થિત યાદી તૈયાર થઈ અને આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં ’પંચ પરિવર્તન’ની દિશામાં કાર્યરત કાર્યકર્તાઓનું નિર્માણ કરી તેમને રાષ્ટ્રકાર્ય સાથે જોડવાનો હતો. ભવિષ્યમાં યોજાનાર સંઘ પરિચય વર્ગ, અભ્યાસ વર્ગ, સેવા, જાગરણ અને અન્ય ગતિવિધિઓમાં સમાજની સજ્જન શક્તિ જોડાય તેવો આશય પણ વ્યક્ત કરાયો હતો. અભિયાન પહેલાં નગરમાં કાર્યકર્તા પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ, એકત્રીકરણ બેઠક અને વસ્તી સહ બેઠકનું આયોજન કરાયું હતું. ટોળી રચનામાં સંઘ શક્તિ અને સમાજ શક્તિનું સુંદર સંયોજન જોવા મળ્યું હતું. વેરાવળ-સોમનાથ અને કોડીનાર નગરમાં સમાજ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોને વ્યાપક આવકાર અને સહકાર મળ્યો. સ્ત્રીઓ, બાળકો, યુવાનો અને નિવૃત્ત કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ અભિયાન સાથે જોડાયા હતા. આ અભિયાનના અનુસંધાને ટૂંક સમયમાં વેરાવળ-સોમનાથ નગરની છ વસ્તીમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવશે તેવી જાણકારી પણ આપવામાં આવી છે.
