દ્વારકા જિલ્લાના કુરંગા સરકારી પ્રાથમિક શાળામાં સરગવા આધારિત પૌષ્ટિક મધ્યાહન ભોજનની અનોખી પહેલ

બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાના આચાર્યા દ્વારા સરગવા શિંગ તથા પાનનો ઉપયોગ

બાળકોના સર્વાંગી વિકાસમાં પોષણનું મહત્વ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને બાળકોને નાની વયથી જ યોગ્ય પોષણ મળી રહે તે હેતુસર અમલમાં મુકાયેલી મધ્યાહન ભોજન યોજના બાળકોના આરોગ્ય સુધારામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ યોજના અંતર્ગત શાળાઓમાં બાળકોને પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન આપવામાં આવે છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામની પ્રાથમિક શાળામાં આ યોજનાનો ઉત્તમ અમલ થતો જોવા મળે છે. શાળાના આચાર્યા શ્રી તન્વીબેન કાસુંદ્રાના માર્ગદર્શન હેઠળ બાળકોના આરોગ્ય અને પોષણ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં પરંપરાગત અને પૌષ્ટિક ખોરાકને સ્થાન આપવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને સરગવાના સિંગો તથા સરગવાના પાનનો સમાવેશ કરવામાં આવે છે. આ અંગે શાળાના આચાર્યા તન્વીબેને જણાવ્યું કે, બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. જો બાળકો તંદુરસ્ત અને સશક્ત હશે તો જ દેશનો વિકાસ શક્ય બનશે. બાળકોને નાની ઉંમરથી જ પૌષ્ટિક આહારની આદત વિકસે તેવા પ્રયાસો રાજ્ય સરકાર તેમજ શાળા સ્તરે કરવામાં આવી રહ્યા છે. અમારી શાળામાં મધ્યાહન ભોજનમાં સરગવાના સિંગો અને પાનનો ઉપયોગ કરીને બાળકોને સ્વાભાવિક રીતે પોષણ પૂરૂં પાડવાનો પ્રયાસ કરીએ છીએ. સરગવો આરોગ્ય માટે અમૃત સમાન હોવાનું જણાવતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરગવામાં વિટામિન-સી, ફાઇબર, પોટેશિયમ અને કેલ્શિયમ જેવી જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. સરગવો પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત તથા ગેસ જેવી સમસ્યાઓથી બચાવે છે. ઉપરાંત, તે બ્લડ શુગર નિયંત્રિત રાખવામાં તથા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ઉપયોગી માનવામાં આવે છે. નિયમિત રીતે સરગવાનો સમાવેશ કરવાથી શારીરિક કમજોરી દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સરગવામાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત અને સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.કુરંગા પ્રાથમિક શાળામાં કરવામાં આવી રહેલી આ પહેલ માત્ર બાળકોના આરોગ્ય સુધી સીમિત નથી, પરંતુ પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પણ એક સકારાત્મક પ્રયાસ છે. બાળકો ઘર સુધી આ પૌષ્ટિક આહારની માહિતી પહોંચાડે છે, જેના કારણે પરિવારોમાં પણ સ્વસ્થ આહાર અપનાવવાની પ્રેરણા મળે છે.

રિલેટેડ ન્યૂઝ