સોમનાથ સ્વાભિમાન પર્વમાં શ્રદ્ધાળુઓ માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અન્નક્ષેત્ર શરૂ

કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી ડો.પ્રદ્યુમન વાજા, રાજ્ય ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અન્નક્ષેત્રમાં સેવા કરી

સોમનાથ ખાતે 08-11 જાન્યુઆરી દરમિયાન આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ દરમિયાન આવતાં હજારો શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત અને અનુકૂળ સુવિધા મળી રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અને સેવાભાવી પહેલ તરીકે 2 અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યા છે. સોમનાથ મંદિરના શંખ સર્કલ પાસે આવેલા અધ્યાપન મંદિર અને સોમનાથ સાગર સેતુ પાસે આવેલી રીક્લેમ સાઇટ ખાતે સોમનાથના દર્શાનાર્થે પધારી રહેલા ભક્તો માટે દિવસરાત ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ભોજન પ્રસાદની શરૂઆત બાદ ગુરૂવારે સોમનાથ ખાતે પધારેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી , પ્રદ્યુમભાઈ વાજા, ઉર્જા રાજ્યમંત્રી , કૌશિકભાઈ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોઓએ શ્રદ્ધાળુઓને ભોજન પીરસવાની સેવા કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મંત્રી સહિતના મહાનુભાવોએ શિવભક્તો સાથે બેસીને ભોજન પણ ગ્રહણ કર્યુ હતું.
આ અન્નક્ષેત્રોમાં ગતરોજ અંદાજે 11,000 યાત્રિકોએ ભોજન પ્રસાદ લીધો હતો. શ્રદ્ધાળુઓને સ્વચ્છ, પૌષ્ટિક અને સમયસર ભોજન મળી રહે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્નક્ષેત્રોમાં સ્વચ્છતા, અમૂલ તરફથી પિરસવામાં આવી રહેલી છાશ, પીવાનું શુદ્ધ પાણી, બેઠક વ્યવસ્થા તથા વ્યવસ્થિત સેવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ભોજન સેવા માટે બગદાણાધામના 400 જેટલા સેવકો સોમનાથ ખાતે દિવસરાત સેવા આપી રહ્યા છે. ઈડરથી આવેલા રસોઈયા દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભોજનમાં શાક-રોટલી, દાળભાત, બુંદી, ગાઠીયા પિરસવામાં આવી રહ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન યાત્રિકોને આરોગ્ય, સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે દિશામાં સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ