ગઢડા તાલુકાના જલાલપુર ગામે સહકારી બેંકના કેશિયરે લાખો રૂપિયાની ગોલમાલ કરતા ખળભળાટ

ખેડૂતોના ખાતામાંથી બનાવટી સહીઓ કરી ઉચાપતની ફરિયાદ દાખલ

તાલુકાના જલાલપુર ગામે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાંથી કેશિયરે બનાવટી સહી કરીને લાખો રૂપિયાની ઉચાપત કરી લીધી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ બેંકના કેશીયર તરીકે છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી આનંદ પી. સાગર રહે ઢસા દ્વારા ખેડુત ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ઉપાડી ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે ખેડુત ખાતેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે વધારે જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના જલાલપુર ગામે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં બેંક કર્મચારી દ્વારા ઉચાપત કરવામાં આવી હોવાના ગંભીર આરોપ સાથે બેંક મેનેજરને ફરિયાદ કરવામાં આવી છે. તેમજ ઢસા પોલીસ મથકે પણ ખેડૂતો ફરિયાદ કરવા પહોંચ્યા હતા. આ બાબતે ખેડુતોએ જણાવ્યું હતું કે ખાતામાંથી પાંચ, દસ અને પંદર લાખ રૂપિયા તેમજ તેનાથી વધુ રકમ કર્મચારીએ ઉપાડી લીધી છે. તેમજ બેંકમાં કેશીયર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ સગર દ્વારા ઉચાપત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ખેડુત ખાતેદારોએ બેંક પહોંચી રજુઆત કરી હતી. ત્યારબાદ ઢસા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે રૂપિયા પચાસ લાખ કરતા પણ વધારે રકમની ગોલમાલ થઈ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. આ ઉચાપતના કારણે કેટલાક ખેડુત ખાતેદારોના ઘરે દીકરા-દીકરીના લગ્ન પ્રસંગ નક્કી હોય વર્ષોની મહેનતે ભેગા કરેલા પૈસા ખાતામાંથી ગાયબ થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડુતો દ્વારા ઉચાપત કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તમામ રકમ પરત મળે તેવી માંગ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પરંતુ લાખો રૂપિયાની ઉચાપતના આરોપથી બેંકિંગ વ્યવસ્થાના ભરોસા સામે અનેક સવાલો ઊભા થયા છે. મોટાભાગે ચેક અને વિથડ્રો ફોર્મ દ્વારા ખાતેદાર બેંકમાંથી રૂપિયા ઉપાડતા હોય છે. ત્યારે મોટા ભાગે વિથડ્રો ફોર્મનો ઉપયોગ કરીને ખાતેદારને ખોટી સહી કરીને નાણાની ઉચાપત કરાઈ હોવાની શંકા જણાઈ રહી છે. ત્યારે સમગ્ર મામલે ફરિયાદી અરજદારોના ખાતા અને નાણાંકીય લેવડ દેવડ તથા નાણાં ઉપાડવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા વાઉચર અને ચેક વગેરે બાબતોની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
જલાલપુર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક ના મેનેજર વિજયસિંહ પરમારનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે બેંકના કર્મચારી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાંથી અરજી મળ્યા બાદ બેંક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પ્રાથમિક તપાસમાં 10 થી 15 સભાસદોના ખાતામાંથી રૂપિયા ઉપાડ્યાની માહિતી મળી છે. હેડ ઓફિસ દ્વારા તપાસ ચાલુ છે, તપાસ પૂર્ણ થયા બાદ કુલ કેટલી રકમની ઉચાપત થઈ છે તે સ્પષ્ટ થશે. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હેડ ઓફિસની સૂચના મુજબ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ