બાઈકની ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા : અકસ્માતમાં ત્રણ મહિલાઓ ઘાયલ
અમરેલી જિલ્લાના ધારી-બગસરા રોડ પર હામાપુર ગામ નજીક આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બે મોટરસાયકલ સામસામે પ્રચંડ વેગે અથડાતા સર્જાયેલા આ અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, હામાપુર પાસે બંને બાઈક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે અવાજ સાંભળી આસપાસના સ્થાનિકો તુરંત દોડી આવ્યા હતા. અકસ્માતમાં પ્રવીણભાઈ વલ્લભદાસ દાણીધારીયા રહે. બોરડી અને દિનુભાઈ બ્લોચ રહે.જેતપુર નામના વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને પ્રથમ ધારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે બાઈકમાં બેઠેલા માધવીબેન, રેણુકાબેન રહે. બોરડી અને રૂકસાનાબેન રહે.જેતપુરવાળાની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ધારી પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
