એક વર્ષ માટે પાંચ જિલ્લામાંથી તડીપાર: સાધુ સામે અગાઉ 4 ગુના પોલીસ દફતરે પડયા છે
ભવનાથ પોલીસ સ્ટેશનમાં બુધવારે ભવનાથ ક્ષેત્રના સાધુ શિવગીરી મહારાજા દિગંબર મહારાજે સામે હથિયાર રાખી, જાહેરનામાના ભંગ અંગેની ફરિયાદ બાદ તથા આ સાધૂ સામે અગાઉ ચાર જેટલા મારામારી સહિતના ગુના નોંધાયા હોવાથી જુનાગઢ પોલીસ દ્વારા તડીપારની દરખાસ્ત કરવામાં આવતા જુનાગઢ એસ.ડી.એમ.એ સાધુ શિવગીરી મહારાજ દિગંબર મહારાજને એક વર્ષ માટે જુનાગઢ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરતા પોલીસે આ સાધુને તડીપાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આગામી દિવસોમાં મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો હોય, ત્યારે તંત્ર દ્વારા લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો કરવા માટે ભવનાથ વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયેદસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી સરકારી જમીનો ખુલી કરવામાં આવી રહી છે, તે દરમિયાન ભવનાથ વિસ્તારના શિવગીરી મહારાજ દિગંબર મહારાજ સામે અનેક ફરિયાદો તંત્ર સુધી પહોંચતા બુધવારે ભવનાથમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન સર્ચ હાથ ધરાતા ગદા, ભાલા, તલવાર, ધારિયા, કુહાડી, છરા જેવા જોખમી હથિયારો મળી આવ્યા હતા.
જે અંગે બુધવારે ભવનાથ પોલીસ સ્ટેશનમાં શિવગીરી મહારાજ દિગંબર મહારાજ ગુરૂ દિગંબર જયદેવગીરી મહારાજ સાધુ (ઉ.વ.39) એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે લોખંડની કુહાડી પોતાની પાસે રાખી, જીલ્લા મેજી. જુનાગઢના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
આ સમગ્ર ઘટના તથા આરોપી સાધુ શિવગીરી મહારાજ દિગંબર મહારાજ સામે અત્યાર સુધીમાં ચાર જેટલા મારામારી સહિતના ગુના નોંધાયા હોવાથી તાત્કાલિક જૂનાગઢ ડી.વાય.એસ.પી. હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસે તડીપારની દરખાસ્ત તૈયાર કરી હતી. જેના આધારે ગઈકાલે જુનાગઢ એસ.ડી.એમ. એ સાધુ શિવગીરી મહારાજ દિગંબર મહારાજને એક વર્ષ માટે જુનાગઢ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરતા પોલીસે આરોપી સાધુને તડીપાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરોપી સાધુ સામે ચારેક જેટલા ગુન્હા
જાણવા મળતી વિગતો અનુસાર, શિવગીરી મહારાજ દિગંબર મહારાજ ગુરૂ દિગંબર જયદેવગીરી મહારાજ સાધુ સામે ત્રણ વર્ષ પહેલા તા. 7 ફેબ્રુઆરી 2023 ના ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, તથા આ સાધૂ સામે કુલ ચારેક જેટલા ગુન્હા નોંધાયેલા છે. આ સિવાય ભવનાથ ક્ષેત્રમાં આવતા ભાવિકોને માર મારતો એક વીડિયો પણ વાયરલ થયો હતો.
