ગીર સોમનાથ કલેકટરની અધ્યક્ષતામાં સેવાસેતુ 2.0ની બેઠક યોજાઈ

ક્લસ્ટર વાઇઝ સેવાસેતુ થકી નાગરિકોને ઘર આંગણે જ મળી રહેશે વિવિધ સેવાઓનો લાભ

સેવા સેતુ થકી વહીવટી તંત્રની જરૂરી સેવાઓ લોકોના ઘર સુધી પહોંચે અને વધુને વધુ સેવાઓનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
’સેવાસેતુ 2.0’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો વધુને વધુ લાભ મળે તે માટે વેરાવળ પ્રાંત કચેરી ખાતે કલેકટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી.
ઝડપી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે કલેક્ટરએ અરજદારોની આધાર કાર્ડ, પી.એમ.જે.વાય, રેશન કાર્ડ સહિતની તમામ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું.
સેવાસેતુ 2.0 અંતર્ગત નગરપાલિકા કક્ષા, શહેરી અને ગ્રામીણ વિસ્તારને આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓનો મોટી સંખ્યામાં લોકો લાભ લે એ સુનિશ્ચિત કરવા કલેક્ટર એ ઉપસ્થિત સર્વે વિભાગના અધિકારી ઓને જણાવ્યું હતું.
નિવાસી અધિક કલેકટર રાજેશ આલે સેવા સેતુ 2.0 કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો પહેલો તબક્કો તા.28 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીનો રહેશે જેમાં વિવિધ સેવાઓના ડોક્યુમેન્ટેશન ને આવરી લેવામાં આવશે. જ્યારે બીજો તબક્કો 07 માર્ચથી શરૂ થશે જેમાં ક્લસ્ટર વાઇઝ કાર્યક્રમ યોજવામાં આવશે.
સેવાસેતુ 2.0ની બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી સહિત ખેતીવાડી, આરોગ્ય, નગરપાલિકા, રોજગાર, ફિશરીઝ સહિતના વિવિધ વિભાગોના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિલેટેડ ન્યૂઝ