રાજકોટ સહિત રાજયભરમાં ગાઢ ધુમ્મસનું આવરણ, લોકોએ સવારે ઠંડીનો અહેસાસ કર્યો: પવનની ગતિમાં વધારો
હાલમાં જ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાનાં પગલે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાતા આજે સવારથી ફરી હવામાન પલ્ટો સર્જાયો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- ગુજરાતમાં સવારે ગાઢ ધુમ્મસ સાથે ઉત્તર-પશ્ર્ચિમ દિશામાંથી ઠંડા પવનો ફુંકાયા હતા. આથી છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ થઈ ગયેલી ઠંડીનો આજે સવારે ફરી અનુભવ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આજથી બે દિવસ માટે સવારે ભેજ વાળુ હવામાન રહેશે અને ઠંડો પવન ફુંકાવા સાથે 15થી 20 ડીગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેશે.
દરમ્યાન આજે સવારે રાજકોટમાં 98 ટકા ભેજ સાથે 8 કી.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો અને લઘુતમ તાપમાન 15.3 ડીગ્રી નોંધાયું હતું. તેમજ સવારે ભેજ વધુ રહેતા ગાઢ ધુમ્મસ પણ છવાયુ હતું. આજ રીતે અન્ય સ્થળોએ પણ સવારે ધુમ્મસ સાથે ઠંડો પવન ફુંકાયો હતો. નલીયા ખાતે પણ આજે સવારે તાપમાન ગગડયુ હતું અને લઘુતમ તાપમાન 14.4 ડીગ્રી નોંધાયુ હતું. તથા પોરબંદરમાં 14.5, વેરાવળમાં 15.9, સુરતમાં 18.2, ઓખામાં 19.6 ડીગ્રી જયારે કંડલામાં 16, ગાંધીનગરમાં 16.8, અમદાવાદમાં 17, અમરેલીમાં 14.8, વડોદરામાં 16.4, ભાવનગરમાં 18.7, ભુજમાં 16.6 ડીગ્રી તથા દમણમાં 18, ડીસામાં 14.8, દિવમાં 13.4 અને દ્વારકામાં 19 ડીગ્રી લઘુતમતાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે મોયાભાગે જયાં હુંફાળુ વાતાવરણ રહે છે તે કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં આજે સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. વધુમાં મોટી પાનેલીથી મળતા અહેવાલો મુજબ આજરોજ વહેલી સવારથી ધુમ્મસ છવાઈ ગયેલ હતું જેને કારણે વાતાવરણ ધૂંધળુ થવાને કારણે વાહન ચાલકોને તકલીફ પડેલી હતી પરંતુ તે લોકોએ પોતાની હેડલાઈન ચાલુ રાખી અને સલામતીપૂર્વક પોતાના વાહનો ચલાવેલા જયારે મોર્નિંગમાં નીકળેલા લોકોને આવા વાતાવરણમાં કાશ્મીર જેવા વાતાવરણનો આહલાદક અનુભવ થયેલો જો કે બપોરે તો ગરબી પડે છે. તેમજ જામનગરના લઘુતમ તાપમાનમાં એક જ દિવસમાં અઢી ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. ઠંડીના નવા રાઉન્ડની એકતરફ આગાહી કરાઈ રહી છે ત્યારે બીજી તરફ આજે સવારે ઝાકળવર્ષાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે વહેલી સવારે ઝાકળવર્ષા થતા શહેરના માર્ગો ભીના થઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ સૂર્યના દર્શન છેક આઠ વાગ્યા બાદ થયા હતા. આજે લઘુતમ તાપમાન ઘટીને 14.5 ડીગ્રી રહેવા પામ્યું હતું. ઝાકળને લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 86 ટકા થઈ ગયું હતું જોકે પવનની ગતિ ઘટીને 2.6 કી.મી. પ્રતિકલાકની નોંધાઈ હતી. દરમ્યાન ગઈકાલે પણ મહતમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને મોટાભાગના સ્થળોએ 27થી 32 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયુ હતું. ગઈકાલે રાજકોટમાં મહતમ તાપમાન 32 ડીગ્રી નોંધાયુ હતું.
