ત્રણ દિવસીય કાર્યક્રમમાં શૈક્ષણિક સંશોધન અને વહીવટી યાત્રાને દર્શાવાશે
વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેની સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દ્વિ-દશાબ્દી મહોત્સવનું આયોજન કરેલ છે. આ ત્રણ દિવસીય મહોત્સવ તા.11 થી 13 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાનાર છે.
આ ઉજવણી યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન અને વહીવટી યાત્રાને દર્શાવશે, તેમજ સંસ્કૃત જ્ઞાન પરંપરા અને ભારતીય સંસ્કૃતિને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરશે.આ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.11 ફેબ્રુઆરી, 2026 ના સવારે 10:30 કલાકે ‘પાતંજલ યોગભવન’ ખાતે યોજાશે. આ પ્રસંગે ‘ભારતીય જ્ઞાન પરંપરાની અવધારણા અને પારંપરિક સ્રોતો’ વિષય પર એક આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી નું પણ ઉદ્ઘાટન થશે. આ સંગોષ્ઠી માં દેશ-વિદેશના આશરે 150 વિદ્વાનો સંશોધનપત્રો રજૂ કરશે, જે ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ અને પરંપરાગત જ્ઞાનસ્રોતોને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરશે. મહોત્સવ અંતર્ગત ‘કુલપતિસપર્યા’ કાર્યક્રમ દ્વારા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, પૂર્વછાત્ર સંમેલન પણ યોજાશે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથેના સંબંધોને મજબૂત બનાવશે.તા.12 ફેબ્રુઆરીના રોજ સંસ્કૃત નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાચીન અને આધુનિક વિષયો પર આધારિત સંસ્કૃત નાટકોનું મંચન થશે. આ જ દિવસે સંસ્કૃતેતર ક્ષેત્રે સંસ્કૃતના વિકાસમાં યોગદાન આપનાર પાંચ મહાનુભાવોને ‘સંસ્કૃત શ્રી’ સન્માનથી નવાજવામાં આવશે. દ્વિ-દશાબ્દી મહોત્સવના અંતિમ દિવસે શાસ્ત્રાર્થ વિચાર કાર્યક્રમ, કવિ સંમેલન અને સાંજે વાર્ષિક ઉત્સવ તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, નાટક, યોગ પ્રદર્શન અને સંગીત કાર્યક્રમો રજૂ કરીને ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ દર્શાવવામાં આવશે.આ સમગ્ર મહોત્સવ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ ના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારના સંયુક્ત પ્રયાસોથી યાદગાર બનનાર છે
