કોટડાસાંગાણી: શાપર-વેરાવળના પોલીસ સ્ટેશન નજીક બે શખ્સો વચ્ચે ધબધબાટી

એકાબીજાને ગાળોભાંડી મારામારી કરતા હોવાનો વિડિયો વાઈરલ

કોટડાસાંગાણીના શાપર વેરાવળમા પાટિયા નજીક કાજલ પાન પાસે પોલીસ સ્ટેશનથી બસો મીટરના અંતરે બે યુવકો જાહેરમા અપશબ્દો બોલી બાખડી પડી એક બીજા પર રીતસરના મારામારી પર ઉતરી આવતા ભયનો માહોલ ઉભો થયો હતો જે ઘટનાનો વીડીયો પણ વાયરલ થયો છે,કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ વિસ્તારમાં જાહેરમાં મારામારી અને ઝઘડાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે. છાશવારે આ વિસ્તારમાં જાહેર માર્ગો, ચોકડી અને વ્યસ્ત વિસ્તારોમાં મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે, જેનાથી સ્થાનિક નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે.
તાજેતરમાં ફરી એક ચિંતાજનક ઘટના શાપર પાટીયા પાસે સામે આવી છે, જ્યાં પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટર દૂર બે શખ્સો સોમવારે બપોરના સુમારે એકબીજા પર રીતસરના તૂટી પડ્યા હતા. વ્યસ્ત માર્ગ પર જાહેરમાં થયેલી આ મારામારી દરમિયાન બંને શખ્સોએ કોઈ પણ પ્રકારનો સંકોચ કે કાયદાનો ડર ન દર્શાવતા એકબીજાને માર માર્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહનચાલકો થોડા સમય માટે અચંબામાં મુકાઈ ગયા હતા અને કેટલાકે તો ભયના કારણે ત્યા ઉભેલા લોકો ચાલતી પકડી લીધી હતી,જાહેરમા બનેલ આ ઘટના એ વાતનું સ્પષ્ટ દ્રષ્ટાંત છે કે કેટલાક અસામાજિક તત્વોને કાયદા અને વ્યવસ્થાનો કોઈ ભય રહ્યો નથી. જાહેરમાં ખુલ્લેઆમ મારામારી કરીને આવા શખ્સોએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં કડક કાર્યવાહી ન થવાથી અસામાજિક તત્વોના મનોબળમાં વધારો થયો છે.

રિલેટેડ ન્યૂઝ