ખંભાળિયામાં વિશ્ર્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા

સૃષ્ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુજીના પ્રાગટ્ય દિવસ “વિશ્વકર્મા જયંતી” ને ખંભાળિયામાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અહીંના જ્ઞાતિના સંકુલ “વિશ્વકર્મા બાગ” ને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. ખંભાળિયામાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતી મહોત્સવના કાર્યક્રમોમાં વહેલી સવારે શ્રી વિશ્વકર્મા દાદાની મંગળા આરતી, પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ ભોજન, વિધાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ વિગેરેનું સુંદર આયોજન થયું હતું.
વિશ્વકર્મા જયંતી મહોત્સવના તમામ કાર્યક્રમોના દાતા ઠાકરશીભાઈ ગોરધનભાઈ વડગામા પરિવાર (ખાખરડા વાળા) રહ્યા હતા. આ મહોત્સવમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ ધર્મિષ્ઠાબેન વી. ગજ્જર (અધ્યક્ષ, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ – ગાંધીનગર) અને ડો. ખુશ્બુ સુરેલીયા (ડે.સર્જન – જામનગર) તથા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, સંસ્થાઓના અગ્રણીઓ, મહાનુભાવો, મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સુંદર આયોજન અને જ્ઞાતિના સંકુલની સ્વચ્છતાની સરાહના કરી હતી. જેનું સંચાલન જયંતીભાઈ સુરેલીયાએ કર્યું હતું.વિશ્વકર્મા જયંતી મહોત્સવના આ સુંદર આયોજન માટે જ્ઞાતિના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ