દબાણકાર સરકારી હુકમ નહી માનતા પોલીસની કાર્યવાહી
વિંછીયા તાલુકાના મોઢુકા ગામે સરકારી ખરાબાની જમીન પર મકાન ખડકી દઈ ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણકર્તા વિરુદ્ધ મામલતદારે ફરિયાદી બની સરકાર તરફે દબાણકર્તા વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે વિંછીયાના મામલતદાર યુ.વી.કાનાણીએ સરકાર તરફે ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ જગશી તાવિયા(રહે. મોઢુકા, વિંછીયા,) નું નામ આપતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વિંછીયા મામલતદાર તરીકે તા.01/12/2025 થી ફરજ બજાવે છે. મોઢુકા ગામના સરકારી ખરાબાના સ.નં.155 પૈકી 44/ પૈકી 1 મોઢુકા-વિંછીયા રોડ કાંઠાની જમીનમાં રમેશ જગશી તાવિયાએ બિનઅધિકૃત કબજો કરી રહેણાંક હેતુ માટેનું બાંધકામ કરી લીધાનું ધ્યાને આવેલ હતું. જે દબાણ ધ્યાને આવતાં સર્કલ ઓફીસરે જમીન મહેસુલ કાયદાની કલમ-61 હેઠળ કાર્યવાહી કરવા વિગતવાર દરખાસ્ત તૈયાર કરી મોકલાવતાં દબાણદારની સામે કાર્યવાહી હાથ ધરી રૂબરૂ સાંભળવા માટે નોટીસ આપી દબાણદારોને રૂબરૂ સાંભળવામાં આવેલ હતા. બાદમાં બોર્ડમાં કેસ ચાલી જતાં તા.21/01/2026 થી દબાણ ખુલ્લુ કરવા અને રૂ.625 દંડ વસુલ કરવા હુકમ કરવામાં આવેલ હતો પરંતુ દબાણદારએ દબાણ ખુલ્લુ કરવાનો હુકમ કર્યા બાદ પણ હુકમ મુજબ સરકારી જમીન ઉપરનું દબાણ ખુલ્લુ કરેલ ન હતું. જે બાદ જસદણ નાયબ કલેકટર દ્વારા દબાણદારની સામે સુઓમોટો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરી ફરીયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવેલ હતો. જેથી મોઢુકા ગામની સરકારી સરર્વે નંબર 155 પૈકી 44/ પૈકી 1 પૈકીની અંદાજિત 125 ચો.મી. જેટલી મોઢુકા-વિંછીયા રોડ કાંઠાની જંત્રી દર મુજબ રૂ. 62,500 ની કિંમતી સરકારી જમીનમાં અનઅધિકૃત કબજો કરી તેમાં રહેણાંક હેતુ માટેનું મકાન બનાવી દબાણ કરી લેનાર રમેશ જગશી તાવિયા (રહે.મોઢુકા, વિંછીયા) વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનિયમ-2020 ની કલમ હેઠળ મામલતદારે વિંછીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
