માલ આપનાર સિંહજર નેશના નામચીન બુટલેગર સામે પણ નોંધાયો ગુન્હો: દેશી દારૂના ધંધાર્થી અને વાહનચાલક સામે કાર્યવાહી
બગવદરનો યુવાન મોપેડમાં વિદેશી દારૂની 12 બોટલ લઇ જતા ઝડપાયો છે તથા તેને માલ આપનાર સિંહજર નેશના નામચીન બુટલેગર સામે પણ ગુન્હો નોંધાયો છે.
બગવદર ગામે સંસ્કાર સોસાયટીમાં રહેતો અને અગાઉ દારૂ સાથે પકડાઇ ચૂકેલો દીપક પ્રવીણ ફાફડીયા નાગકા ગામથી સિંહજર નેશ તરફ જતા રસ્તે મોપેડ લઇને નીકળતા પોલીસે શંકાના આધારે તેને અટકાવીને તલાસી લેતા તેની પાસેથી 13,200ની કિંમતની વિદેશી દારૂની બાર બાટલી મળી આવી હતી. તેથી તેની પૂછપરછ કરતા આ દારૂ નાગકા ગામના સિંહજર નેશમાં રહેતા બાવન કાના કટારા પાસેથી લીધો હોવાની કબુલાત કરતા પોલીસે બાવન સામે પણ ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. દારૂ અને સ્કૂટર સહિત કુલ રૂા. 58,200નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
દેશી દારૂના ધંધાર્થી સામે પગલા
મૂળ માધવપુરના પાવરહાઉસ પાસે રહેતા બાલુ કરશન પરમારને 600 રૂા.ના દારૂ સાથે તથા મીયાણીગામે ખાડીકાંઠે રહેતી લક્ષ્મીબેન બાબુ વાઘેલાને 1000 રૂા.ના દારૂ સાથે પકડી લેવામાં આવી છે.
પીધેલા સ્કૂટરચાલકની ધરપકડ
પોરબંદરના ખારવાવાડમાં આવેલા દરજી ફળિયામાં રહેતા હિતેશ કિશોર ડાભીને દારૂ પીધેલી હાલતમાં સ્કૂટર ચલાવતા બોખીરાના કે.કે.નગર રોડ પરથી પકડી લીધો હતો.
