ચીફ ઓફીસરને રૂબરૂ બોલાવી રસ્તાના કામની ગુણવતાના સવાલો ઉઠાવ્યા
ભાણવડમાં વેરાડ ગેઈટ બહાર દેવાયત બાપાની પ્રતીમાથી નગર પાલીકા કચેરી સુધીનાં શરૂ થયેલાં રોડની કોંગ્રેસનાં આગેવાનોએ મૂલાકાત લેતાં કહેવાતી ગોબાચારી સામે આવી છે. જેથી ચીફ ઓફીસરને સ્થળ પર બોલાવી કામની ગુણવતા સામે સવાલો કર્યા હતા. શહેરમાં વેરાડ ગેઈટ બહાર દેવાયત બાપાની પ્રતીમાથી નગર પાલીકા કચેરી સુધીનો માર્ગ ઉખડ બાખડ બની ગયો હતો. ચોવીસ કલાક ધમધમતા માર્ગની નાજૂક હાલતથી એસ.ટી.બસ સહીતનાં નાનાં મોટાં વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયાં હતા, અને રસ્તો પસાર કરવામાં વાહન ચાલકોને ભારે યાતનાં ભોગવવી પડતી હતી.
જેથી બીસ્માર માર્ગનું સંપૂર્ણ નવીનીકરણ કરવાં માંગણી સાથે રજુઆત થતાં, થોડા દીવસથી રોડનું કામ શરૂ થયું છે. પરંતુ પ્રાથમીક તબકકાનું કામ ખૂબ જ નબળું બની રહ્યું છે, પેચીંગ વર્કમાં માલ મટીરીયલ્સ પૂરતાં પ્રમાણમાં વપરાતું નથી, તેમજ માપ સાઈઝનાં પણ કોઈ ઠેકાણાં નથી, આ બાબતે કોંગ્રેસનાં આગેવાનોએ ચીફ ઓફીસરને સ્થળ પર રૂબરૂ બોલાવી સવાલો કર્યા હતા, તેમજ કામમાં ગેરરીતી થતી હોવાની રાવ કરી કામ મજબુતાઈથી કરવા પર ભાર મૂકયો હતો. રોડની મૂલાકાત વેળાએ કોંગ્રેસનાં આગેવાનો ગિરધર વાઘેલા, રણધીરસિંહ જાડેજા, મકેશ વાવણોટિયા, ભરત વાઘેલા, અસ્માબેન શાહ-મદાર, અખિલ વાઘેલા, મુરાદ કોટડીયા, વાહીદ ગિરાચ સહીત હાજર હતા.
