મ્યુલ એકાઉન્ટમાં ગેરકાયદેસર ટ્રાન્જેક્શન રોકવાની કવાયતમાં નિર્દોષો પણ ભોગ બન્યાની ફરિયાદો ખાતુ ફ્રીઝ થયા પછી એક્ટિવ કરવામાં અનેક મુશ્કેલીઓ
ગઢડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બેંક ખાતું ધરાવતા અનેક ખાતેદારોના બેંક ખાતા ફ્રીઝ થઈ જવાના કિસ્સાઓથી બેન્કમાં જવાબદાર અધિકારીઓની અરજદારો સાથે લમણાઝિંક અને કામગીરી વધી જતા બેંકની કામગીરી ઉપર અસર પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ નિયમિત રીતે ધંધાકીય નાણાંકીય વહેવાર ધરાવતા લોકો પણ ભોગ બની રહ્યા હોવાના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે.
આ બાબતે જાણવા મળતી માહિતી અનુસાર વર્તમાન સમયમાં કેટલાક લોકો રૂપિયા રળી લેવાની લાલચે અથવા આદતવશ મજબૂર બનીને ઓનલાઇન ગેમિંગ અને રૂપિયાની હારજીત સાથે સંકળાયેલી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી ઓનલાઇન સટ્ટા અને રૂપિયાની હારજીત સાથે જોડાયેલી પ્રવૃતિઓને ગેરકાયદે ગણાવી સાઇબર ક્રાઈમને સોંપેલી સત્તા થી શંકાસ્પદ લાગતા નાણાંકીય ટ્રાન્ઝેક્શન ધ્યાન ઉપર આવે તો જે તે મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરવામાં આવેલું અને શંકાસ્પદ કેશ ટ્રાન્સફર કરતા ખાતેદાર નું બેંક ખાતું ફ્રીઝ કરી દેવામાં આવે છે. ઉપરાંત પોતાનું બેંક ખાતું અન્ય લોકોને (મ્યુલ એકાઉન્ટ) ઓનલાઇન ટ્રાન્સેક્શન માટે ભાડે આપીને મહિને બેઠી આવક કમાવાની હોડમાં સમજ્યા વિચાર્યા વગર દોટ મૂકનાર લોકો પોતાના બેંક ખાતાનો ઉપયોગ સાઇબર ક્રાઈમ જેવા ગુન્હાઓ સાથે જોડાયેલા લોકોના હાથમાં સોંપીને પોતાના માટે સામે ચાલીને મુસીબત વ્હોરી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનામાં દરેક બેંકોમાં અસંખ્ય લોકોના બેંક ખાતા ફ્રીઝ થયા હોવાનું જાણવા મળેલ છે. અધૂરામાં પૂરું શંકાસ્પદ નાણાકીય વહેવારમાં આવેલા અને મ્યુલ બેંક ખાતાથી મની ટ્રાન્સફર મેળવેલા ખાતા ધારક તરફથી અન્ય કોઈ વેપારી વગેરે સાથે કાયદેસરની લેવડ દેવડ માટે કોઈના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે તો પણ કશું નહીં જાણતા નિર્દોષ લોકોના ખાતા પણ શંકાસ્પદ જોડાણ વહેવાર ગણીને ફ્રીઝ થવાના કારણે ખાતા ફ્રીઝ થવાની સંખ્યામાં વાયરલ ચેપ જેમ વધારો થવા પામે છે. જેના કારણે કેટલાક વેપારીઓ સહિતના અકારણ ભોગ બની રહ્યા છે. લોકો ડિજિટલ પેમેન્ટની સરળ અને સલામત ગુલબાંગો વચ્ચે ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી રહ્યા છે. તેમજ ફ્રીઝ થયેલા બેંક ખાતા પુન: નોર્મલ રીતે શરૂ કરવા માટે અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં બહારના રાજ્યની પોલીસે ખાતું ફ્રીઝ કર્યું હોવાનું અને ખાતું શરૂ કરવા માટે અઘરી કાયદાકીય પ્રક્રિયા કરવા માટે જણાવતા સામાન્ય લોકોને પોતાના કાયદેસર રૂપિયા અને બેંક ખાતાને ભૂલી જવું પડે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. સમગ્ર બાબતે આડેધડ બંધ થઈ રહેલા લોકોના બેંક ખાતાઓ અને કાયદાકીય પ્રક્રિયાની અનેક વિસંગતતાઓ દૂર કરી લોક માનસમાંથી ખોટો ભય દૂર કરવા યોગ્ય દિશામાં કામગીરી કરવામાં આવે તેવું ઇચ્છનીય છે. બીજી તરફ કેટલીક ઓનલાઇન ગેમિંગ પ્રવૃતિઓ પ્રતિબંધિત હોવા છતાં યેનકેન પ્રકારે કેવી રીતે ચાલી રહી છે અને તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે લોકોએ પણ સાવધાની પૂર્વક બેંક ખાતાનો ઉપયોગ કરવા અને કોઈ પણ પ્રકારના ખોટા નાણાકીય વહેવારોથી સતર્ક રહેવા લાલબત્તી સમાન કિસ્સાઓ ઉપરથી શીખ લેવા જેવું છે.
