રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી શ્રી સોમનાથ મંદિરના ભોજનાલય માટે રૂ.5 કરોડનું દાન શિવાર્પણ કર્યું


સોમનાથ આવતા કરોડો ભક્તોને ભોજન પ્રસાદ માટે આગામી 1 વર્ષનું દાન અપાયું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીએ પોતાના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણે આસ્થા અને સેવાનું અનોખું શિવાર્પણ કર્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત નિ:શુલ્ક ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની પ્રસાદ સેવા અર્થે તેમણે રૂ.5 કરોડની રકમનું માતબર દાન અર્પણ કર્યું છે. અનંતભાઈ અંબાણીની સોમનાથ મહાદેવ પ્રત્યેની અતૂટ આસ્થા સર્વવિદિત છે. નોંધનીય છે કે, તેમણે અગાઉ ચાલુ વર્ષના પ્રારંભે પણ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી રૂ.5 કરોડનું દાન અર્પણ કર્યું હતું. ત્યારે આજે 09’એપ્રિલના રોજ તેમણે ફરી પોતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સોમનાથ દાદાના ભક્તોની સેવા કરવાના ઉમદા હેતુ સાથે રૂ.5 કરોડનું દાન શિવાર્પણ કર્યું છે. આ યોગદાનનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ આવતા લાખો શ્રદ્ધાળુઓમાંથી કોઈ પણ ભક્ત ભૂખ્યો ન રહે તે ઉત્કૃષ્ટ પ્રકલ્પને સિદ્ધ કરવાનો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિ:શુલ્ક ભોજનાલયમાં આગામી 1 વર્ષ સુધી આવનારા ભક્તોને ભોજન પ્રસાદ કરાવવા માટે આ રૂ.5 કરોડની રાશિનો ઉપયોગ કરાશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે અનેકવિધ સેવા પ્રકલ્પો ચલાવવામાં આવે છે, જેમાં ’નિશુલ્ક ભોજનાલય’ એક પાયાની અને અત્યંત મહત્વની સેવા છે. અનંતભાઈ અંબાણીનું આ દાન લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને સુવિધા પ્રત્યેની તેમની સંવેદનશીલતાનું પ્રતીક છે. વિશેષ રૂપે અનંતભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને સાયમ વિશેષ શૃંગાર પૂજા સહિતની પૂજા અર્પણ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ