ઉના પંથકમાં ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ ને સાર્થક કરતો સેવાયજ્ઞ

ગરીબ-નિરાધારના હમદર્દ હરકિશનભાઈ કુબાવત: દર મહિને 60 પરિવારને રાશન, સેંકડો મૂંગા જીવને પાણીની વ્યવસ્થા કરે છે

આજના સ્વાર્થ અને મોહ-માયાથી ભરેલા યુગમાં જ્યાં સગા ભાઈ પણ ભાઈની પડખે ઊભા રહેતા અચકાય છે, ત્યાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશનભાઈ આઈ. કુબાવત ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની ઉક્તિને સાચા અર્થમાં જીવી બતાવી રહ્યા છે. માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હરકિશનભાઈ હંમેશા ગરીબ,નિરાધાર જરૂરિયાતમંદ લોકોની પડખે અડીખમ ઊભા રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા ફરી એકવાર સકારાત્મક વિચારને સાકાર કરતા ગરીબ અને નિરાધાર પરિવારો માટે 60થી વધુ રાશન કિટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આ રાશન કિટ સીધી જરૂરિયાતમંદ પરિવારોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે, જેથી કોઈ ભૂખ્યું ન સૂવે અને તેમના જીવનમાં થોડી રાહતનો શ્વાસ પહોંચે. આ પ્રયાસ માત્ર સહાય નથી, પરંતુ માનવતા પ્રત્યેની સાચી લાગણી અને સામાજિક જવાબદારીનું જીવંત પ્રતિક છે.
હરકિશનભાઈ કુબાવતની સેવા માત્ર રાશન કિટ પૂરતી સીમિત નથી. તેઓ દર મહિને અનેક સેવાકીય પ્રવૃત્તિ ઓ અવિરતપણે ચલાવી રહ્યા છે: જેમાં દર મહિને નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન, જેમાં નિષ્ણાત તબીબો દ્વારા સેંકડો દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવે છે. ‘રક્તદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરતા નિયમિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, જેથી જરૂરિયાતના સમયે કોઈને લોહીની તંગી ન પડે. કાળઝાળ ઉનાળામાં મૂંગા પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે દર વર્ષે હજારો પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ.ભુખયા અશક્ત અને રસ્તા પરજીવનગુજારતા ભિક્ષુકો માટે નિયમિત ભોજન સેવા અપાય છે. આ મતલબી દુનિયામાં જ્યાં સંબંધો પણ સ્વાર્થ પર ટકેલા હોય છે, ત્યાં હરકિશનભાઈ કુબાવત અને તેમની સમર્પિત ટીમ નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરી રહ્યા છે. તેમનું કાર્ય આપણને શીખવે છે કે સાચી સમૃદ્ધિ બેંક બેલેન્સમાં નહીં, પણ બીજાના ચહેરા પર લાવેલા સ્મિત માં છે. ટ્રસ્ટ દ્વારા થતું દરેક કાર્ય મોહ-માયાથી ભરેલી દુનિયા માં માનવતાની મહેક ફેલાવે છે. આવી સેવાઓ માત્ર જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ નથી થતી, પરંતુ સમગ્ર સમાજને સંવેદનશીલ બનવા અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના કેળવવા પ્રેરણા આપે છે.કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશનભાઈ આઈ. કુબાવત તેમની સમગ્ર ટીમને આ ઉમદા સેવાકાર્યો બદલ હૃદયપૂર્વક વંદન. તેમનું આ સેવાયજ્ઞ અવિરત ચાલતું રહે અને સમાજના વધુને વધુ લોકો આ માનવતાના કાર્યમાં જોડાય તેવી અભ્યર્થના. આવો, આપણે સૌ પણ આપણી યથાશક્તિ મુજબ કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થઈએ. કારણ કે દીવો બીજા દીવાને પ્રગટાવીને ક્યારેય પોતાનો પ્રકાશ ગુમાવતો નથી.

રિલેટેડ ન્યૂઝ