ઉનામાં ચેક રિટર્ન કેસમાં પતિ-પત્નીને એક-એક વર્ષની સજા

ધંધાકીય લોનની બાકી રકમના ચેક બાઉન્સ થતા કોર્ટે ઠરાવ્યા કસુરવાન

ઉના શહેરમાં આવેલી ભારત ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.માંથી ધંધાકીય હેતુસર લોન લીધા બાદ બાકી રહેતી રકમ પેટે આપેલા ચેક પરત ફરતાં કોર્ટે દેલવાડા ગામના એક દંપતીને કસૂરવાર ઠેરવી એક-એક વર્ષ ની સાદી કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગત મુજબ, દેલવાડા ગામે રહેતા ભાવેશભાઈ લખમણભાઈ વંશએ વર્ષ 2024માં ભારત ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાંથી 45,000 રૂપિયાની લોન લીધી હતી. જે પૈકી 35,649 રૂપિયાની બાકી રકમની ચુકવણી પેટે તેમણે વર્ષ 2025માં પોતાની સહીવાળો ચેક આપ્યો હતો.આ ઉપરાંત, તેમના પત્ની પાનબાઈ ભાવેશભાઈ વંશએ પણ સોસાયટીમાંથી 60,000 રૂપિયાની લોન લીધી હતી. જેની બાકી રહેતી 52,413 રૂપિયાની રકમ પેટે તેમણે પણ ચેક આપ્યો હતો.
બંને પતિ-પત્નીના ચેક બેંકમાં ક્લિયરિંગ માટે રજૂ કરતાં તે ‘રિટર્ન’ થયા હતા. જેથી ભારત કો-ઓપરેટિવ સોસાયટીએ કાયદેસરની નોટિસ પાઠવી હતી. ત્યાર બાદ સોસાયટીના બ્રાન્ચ મેનેજર ધર્મેશ કાળિદાસ હરિયાણી દ્વારા ઉના સેક્ધડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નીરજકુમાર યાદવની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-138 હેઠળ બંને વિરુદ્ધ અલગ-અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષના વકીલ એચ.સી.ચૌહાણ એ સાક્ષી-પુરાવા સાથે સબળ દલીલો કરી હતી. દલીલો અને પુરાવાને આધારે બંને આરોપી સામે ગુનો સાબિત થતાં, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નીરજકુમાર યાદવે બંને જુદા જુદા કેસમાં ચુકાદો આપ્યો હતો.કોર્ટે આરોપી ભાવેશ ભાઈ લખમણભાઈ વંશ અને પાનબાઈ ભાવેશભાઈ વંશ, બંનેને એક-એક વર્ષ ની સાદી કેદની સજા ફટકારી હતી.
સાથે જ વળતર પેટે ભાવેશભાઈ વંશને 35,649 રૂપિયા અને પાનબાઈ ભાવેશભાઈ વંશને 52,413 રૂપિયા ફરિયાદી સોસાયટીને ચૂકવવાનો હુકમ કર્યો છે.
કોર્ટે વધુમાં આદેશ કર્યો છે કે, જો બંને આરોપી નિયત સમયમાં વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમણે વધારાની બે-બે વર્ષ ની સાદી કેદ ભોગવવી પડશે.

રિલેટેડ ન્યૂઝ