માનવભક્ષી શ્ર્વાનોને પકડી પાંજરામાં પુરવા લોકમાંગ
બાળક અને બાળકી પર શ્ર્વાન ત્રાટકયા હતા, જેમાં બાળકી બેરલમાં કુદી જતા બચી ગઇ, બાળકનું મૃત્યુ
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ખાન ખીજડીયા ગામે ફરી શ્વાનો નો આતંક સામે આવતો જોવા મળ્યો છે. અને એક બાળકનો ફરી ભોગ લેવાયો છે. જાણવા મળતી વિગતો મુજબ ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી રખડતા શ્ર્વાનને ખેત મજુરના બાળકોને એક પછી એક શિકાર બનાવતા જાય છે. એક મહિનામાં ચોથી ઘટના જોવા મળી રહી છે. વડિયાએ વસવાટ કરી ખેત મજૂરી કરતા ખેત મજુર પરીવાર બારીયા મગનભાઈ ચીમનભાઈના દિકરો અને દિકરી બંને રમી રહ્યા હતા અને તેમના પિતા પાણી વાળી રહ્યા હતા ત્યારે માનવભક્ષી શ્વાનો આવી જતા દીકરા રોમિતને બચકા ભરીને ઉપાડી ગયા જયારે દિકરી બીકથી બેરલમાં કૂદી જતા દિકરા રોમિત ઉંમર વર્ષ સાતનુ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ માનવભક્ષી શ્ર્વાનોને ક્યારે પકડી ને પીજરામાં પુરવા આવશે કે પછી હજુ કોઈ નિર્દોષ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોવાઈ રહી છે ? આવા વેધક સવાલો ખેત મજૂરો અને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ માનવભક્ષી શ્ર્વાનોએ બે બાળકોના ભોગ લીધા છે અને બે બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. હવે ખાન ખીજડીયા ગામમાં ખેત મજુર પરિવારો પર જાણે શ્ર્વાનોનો આતંક છવાતો હોય તેમ એક પછી એક બાળકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતે તંત્ર તુરંત કાર્યવાહી કરે તેં ખુબ જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે શું આ બાબતે તંત્ર જાગીને આ માનવભક્ષી કુતરાઓને પીજરે પૂરશે કે પછી હજુ કોઈ નિર્દોષ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોશે તેં તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ ખાન ખીજડીયા ગામે બીજા નિર્દોષ બાળકનો ભોગ માનવભક્ષી શ્ર્વાનો એ લીધો છે અને સમગ્ર પંથકમાં આ શ્ર્વાનોના આતંકથી ભયનો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે.
