ગત તા.8 જુનના રોજ કુસુમબહેનએ પતિના ત્રાસથી ઝેરી દવા પીધી હતી
ભેસાણ તાલુકાના ગોરવીયાળી ગામની પરણિતા એ બે દિવસ અગાઉ ઝેરી દવા પી આપઘાત કરી લેતા, આ મામલે મરણ જનાર મહિલાના પતિ સામે મહિલાને મરવા મજબૂર કરવાનો ગુનો દાખલ થયો છે.
ભેસાણ પોલીસમાં બોટાદ જિલ્લાના ચારણકી ગામના રહેવાસી તરુણભાઈ સામળ એ ગોરવીયાળી ગામના તેમના બનેવી રાજેશ ભીખુદાનભાઈ ગોરવીયાળી સામે ફરિયાદ ફરિયાદ નોંધાવી છે કે, તેની નાની બહેન કુસુમબેનના 4 વર્ષ પહેલાં ભેસાણ તાલુકાના ગોરવીયાળી ગામના રાજેશ ભીખુદાનભાઈ ગોરવીયાળી સાથે થયા હતા અને મરણ જનાર બેનને 14 મહિનાની એક દીકરી પણ છે. લગ્નના શરૂઆતમાં સારી રીતે વિત્યા બાદ, પતિ રાજેશ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને ઝઘડા કરવાનું અને શારીરિક-માનસિક ત્રાસ આપી કુસુમબેનને મારપીટ કરતો હતો. અને ગત તા. 8 જૂનના રોજ કુસુમબેને પતિના ત્રાસથી કંટાળીને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા, દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભેંસાણ પોલીસે મરણ જનાર કુસુમબેનના ભાઈ તરુણભાઈની ફરિયાદ લઈ, મરણ જનારના આરોપી પતિ રાજેશ ભીખુદાનભાઈ ગોરવીયાળી સામે પત્નીને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
