ઉનાના નલિયા માંડવી અને ખજુદ્રામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ

એસ.ડી.આર.એફ. દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને બચાવ કામગીરીનું પ્રાયોગિક માર્ગદર્શન: સીપીઆરથી લઈને લાઈફ જેકેટના ઉપયોગ સુધીનું નિદર્શન અપાયું

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નલિયા માંડવી અને ખજૂદ્રા ગામની પ્રાથમિક શાળાઓ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે લોક જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન શાખા, ગીર સોમનાથ દ્વારા એસ.ડી.આર.એફ. (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો તથા શાળા સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ જેવી કે ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ તેમજ અન્ય આકસ્મિક પરિસ્થિતિઓમાં પોતાની અને અન્ય લોકોની સુરક્ષા કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આપત્તિ સમયે ગભરાવાને બદલે શાંતિપૂર્વક અને સજાગ રહી યોગ્ય નિર્ણય લેવાની સાથે સમયસર સ્થળાંતર અને તંત્રને સહકાર આપવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
એસ.ડી.આર.એફ.ની ટીમ દ્વારા તાલીમને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સી.પી.આર. આપવાની યોગ્ય પદ્ધતિ, લાઈફ જેકેટનો સુરક્ષિત ઉપયોગ, ઇજાગ્રસ્ત વ્યક્તિને સ્ટ્રેચર મારફતે સલામત રીતે સ્થળાંતર કરવાની રીત, પાણીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવાની પદ્ધતિ તેમજ બચાવ કામગીરીમાં ઉપયોગી વિવિધ સાધનો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શાળાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા તાલીમ કાર્યક્રમો સતત યોજાઈ રહ્યા છે, જેથી સામાન્ય નાગરિકોમાં આપત્તિ પ્રત્યે જાગૃતિ વધે અને કોઈપણ સંજોગોમાં જાનહાનિ તથા નુકસાનને ઓછું કરી શકાય. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ આપત્તિ સમયે ગભરાયા વિના સાવચેતી રાખવા, પૂર્વ તૈયારી સાથે સતર્ક રહેવા તેમજ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તાલીમ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ