સાવરકુંડલાના જૂનાસાવર ગામ પાસે શેત્રુંજીના ધસમસતા પ્રવાહમાં છકડો રિક્ષા પાણીમાં ગરક


ટ્રેક્ટરની મદદથી તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરાતા ત્રણેય વ્યક્તિઓનો આબાદ બચાવ

અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામ નજીક શેત્રુંજી અને શેલ નદીમાં આવેલા પૂરથી સ્ટેટ હાઇવે બંધ થઈ ગયો હતો. આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહમાં એક છકડો રિક્ષા ગરકાવ થઈ જતાં તેમાં સવાર ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોની સતર્કતા અને ટ્રેક્ટરની મદદથી તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરાતા ત્રણેય વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. અને છકડો રિક્ષાને બહાર ખેંચીને કાઢી હતી.
સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે ભારે વરસાદને પગલે શેત્રુંજી અને શેલ નદીના પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. નદીના પાણી સ્ટેટ હાઇવે પર ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
આ દરમિયાન જુનાસાવર ગામ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં એક છકડો રિક્ષા પાણીમાં ગરકાવ થઈ ગયેલ હતી. આ રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓ પાણી વચ્ચે ફસાઈ જતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જુનાસાવર ગામના આગેવાનો, પૂર્વ સાવરકુંડલા તાલુકા પ્રમુખના પ્રતિનિધિ મનુભાઈ ડાવરા તથા સ્થાનિક લોકો તાત્કાલિક ટ્રેક્ટર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.
સ્થાનિકોની બહાદુરી અને સમયસૂચકતાથી ટ્રેક્ટરની મદદ વડે રિક્ષામાં ફસાયેલા ત્રણેય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પાણીમાં ગરકાવ થયેલી છકડો રિક્ષાને પણ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સમયસર કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

રિલેટેડ ન્યૂઝ