આંબરડી નજીક પાંચ-છ સિંહોએ મારણ કરી રસ્તા વચ્ચે જ માણી મિજબાની, વાહનચાલકોમાં સર્જાયો રોમાંચ
અમરેલી જિલ્લામાં ગીરના સાવજોનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ નજીક સાવર કુંડલાથી રાજુલા તરફ જતા સ્ટેટ હાઈવે પર પાંચથી છ જેટલાં સિંહોના ટોળાએ શિકાર કરી રસ્તા પર જ મિજબાની માણતા વાહન ચાલકોમાં ભારે રોમાંચ સાથે થોડીવાર માટે ટ્રાફિક જામનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, આંબરડી નજીક સ્ટેટ હાઈવે પર સિંહોના ટોળાએ એક મારણ કર્યું હતું. શિકાર બાદ સિંહો મારણની આસપાસ હાઈવે ઉપર બેસી મિજબાની માણી રહ્યા હતા. હાઈવે પર અચાનક સિંહોનું ટોળું જોવા મળતાં પસાર થતાં વાહનોના પૈડાં થંભી ગયા હતા. રસ્તાની વચ્ચે જ સિંહો મારણ કરી રહ્યા હોવાથી બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
પાંચથી છ સિંહો હાઈવે રોડ ઉપર જ અડિંગો જમાવી બેઠા હોવાથી વાહન ચાલકોએ દૂરથી જ વાહનો રોકી દીધા હતા. કેટલાક વાહનચાલકોએ સિંહોને મારણ પરથી દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહો પોતાની મિજબાનીમાં મશગૂલ હોવાથી આવા પ્રયાસો નિરર્થક સાબિત થયા હતા.
આ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સિંહોની સુરક્ષા અને વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા મારણને રસ્તાની સાઈડમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ વાહનવ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. સિંહો હાઈવે પર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વનવિભાગના કર્મચારીઓ દ્વારા આખી રાત ખડેપગે રહી સિંહોની અવરજવર અને સુરક્ષા પર નજર રાખવામાં આવી હતી.
આ દરમિયાન હાઈવે પર સિંહોના ટોળાએ શિકાર કરી મિજબાની માણી હોવાના અદભુત દૃશ્યો કોઈ વાહન ચાલક દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. સિંહો મારણની આસપાસ બેઠેલા અને આસપાસ વાહનો થંભેલા હોવાના દૃશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન્યજીવપ્રેમીઓમાં ભારે ચર્ચા જાગી છે.
અમરેલી જિલ્લામાં ખાસ કરીને સાવરકુંડલા સહિતના ગીરકાંઠાના વિસ્તારોમાં સિંહોની અવરજવર હવે સામાન્ય બની રહી છે. જંગલની બહાર પણ સિંહોના સતત આંટાફેરા જોવા મળતા હોવાથી હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોએ રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવી જરૂરી બની છે. વનવિભાગ દ્વારા પણ સિંહોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
