લગ્નજીવનના વાદ વિવાદથી કંટાળી ભાવનગરનાં યુવાને મહારાષ્ટ્ર કોંકણકડા પર્વત પરથી 1700 ફુટ ઉંડી ખીણમાં આપઘાત કર્યો

વીડિયોમાં સાસરિયા પક્ષ પર માનસિક અત્યાચારનો આરોપ

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજપરાના વતની વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલનું મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ ખાતે લગ્નજીવનના વિવાદ અને કાયદાકીય બાબતોના માનસિક તાણ હેઠળ કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ટીંબા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા વિશ્વરાજસિંહે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી આશરે 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. આ દુર્ઘટનાના પગલે સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
વિશ્વરાજસિંહના લગ્ન ગત 8 ફેબ્રુઆરી 2026ના રોજ ધારાબા અજયસિંહ સરવૈયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઘરેલુ બાબતોને લઈને ગત 12 સપ્ટેમ્બરના રોજ ધારાબા દ્વારા પોલીસ સમક્ષ ઘરેલુ હિંસા અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કાળિયાબીડની અંજની સીટીમાં આવેલા સાસરીના ઘરે વાતચીત દરમિયાન વિશ્વરાજસિંહે પોતાના હાથની નસ કાપી લીધી હોવાનો બનાવ બન્યો હતો.
આ અંગે તેમના સસરા દ્વારા નીલમબાગ પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઘરેલુ હિંસા સંબંધિત કેસમાં 9 ઓક્ટોબરના રોજ વિશ્વરાજસિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી બાદ તેઓ ઘરેથી બહાર જવાનું કહી બાઈક લઈને નીકળ્યા હતા અને ત્યારબાદ મહારાષ્ટ્ર પહોંચીને હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી ખીણમાં ઝંપલાવવાની આત્યંતિક ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાંકણવાડા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મૃત્યુ પહેલાં વિશ્વરાજસિંહે આશરે 13 મિનિટનો વીડિયો બનાવીને પોતાની વ્યથા અને આક્ષેપો વ્યક્ત કર્યા હતા. આ વીડિયોમાં તેમણે પત્ની, સાસરી પક્ષ તેમજ તેમની માતા અને 16 વર્ષના ભાઈ સામે મારઝાડ કરવાના આક્ષેપો કર્યા હતા અને તેના પુરાવા રજૂ કરવાની માંગ પણ કરી હતી.
વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પત્નીને તેના માતા-પિતા સાસરીમાંથી લઈ ગયા બાદ બંને પક્ષ વચ્ચે ઘરેણાં પરંપરા સહિતની બાબતોને લઈને વિવાદ થયો હતો. સમાધાન માટેની પ્રક્રિયા દરમિયાન પણ પોતાની રજૂઆતને યોગ્ય ન્યાય મળતો ન હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
કાયદાના દુરૂપયોગ સામે વ્યથા ઠાલવી
સમગ્ર ઘટનાક્રમને કારણે તેઓ માનસિક, આર્થિક અને સામાજિક રીતે ભારે દબાણ અનુભવતા હતા. વીડિયોમાં તેમણે ઘરેલુ હિંસા અને દહેજ સંબંધિત કાયદાઓના કથિત દુરૂપયોગનો મુદ્દો ઉઠાવી કાયદાકીય પ્રક્રિયામાં નિષ્પક્ષતા જાળવવા અને ન્યાયી તપાસ કરવાની માગ કરી હતી.
જો ખોટી ફરિયાદ સાબિત થાય તો જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય અને કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી અપીલ પણ તેમણે કરી હતી. અંતમાં તેમણે પોતાના પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં અન્ય કોઈ પરિવાર આવી પરિસ્થિતિનો ભોગ ન બને તે માટે તંત્રને વિચારણા કરવા તથા પોતાનો વીડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.
બીજી બાજુ, મૃતકના મામા પ્રાંગરાજસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો હતો કે મૃતક અગાઉ સાસરીમાં જઈ હાથની નસ કાપી હતી, 9 ઓક્ટોબરે કોર્ટમાં હાજરી બાદ ઘરેથી ચાલ્યા ગયા હતા અને સાસરી પક્ષના સભ્યો તેમજ આસપાસના પાડોશીઓ દ્વારા પણ તેમના ભાણેજને પરેશાન કરવામાં આવતો હતો.

રિલેટેડ ન્યૂઝ