રાજીનામું આપનાર સરપંચનું અગાઉ બહુચર્ચિત લેટરકાંડમાં નામ બહાર આવ્યું હતુ: તેમને ન્યાય ન મળ્યાની ફરિયાદ
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલાં અમરેલી જિલ્લામાં ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. જસવંતગઢના સરપંચ અને છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અશોક માંગરોળીયા તેમજ યુવા કાર્યકર્તા નિલેશ સાવલિયાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતાં જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
માહિતી મુજબ, અશોક માંગરોળીયા તથા નિલેશ સાવલિયાએ આજે શિસ્તબદ્ધ રીતે ભાજપની ટોપી અને ખેસ પહેરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રૂબરૂ આવી અને જિલ્લા ભાજપના મહામંત્રીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા એક આગેવાને અચાનક રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તેમની સાથે યુવા કાર્યકર્તા નિલેશ સાવલિયાએ પણ પાર્ટીથી દુર થવાનો નિર્ણય લેતા ભાજપમાં અંદરખાને અસંતોષ હોવાની અટકળોને બળ મળ્યું છે. રાજીનામું આપનારા અશોક માંગરોળીયા અગાઉ બહુ ચર્ચિત લેટર કાંડમાં આરોપી તરીકે સામે આવ્યા હતા. આ મામલે પોલીસે સી. સમરી નોંધાવી હોવા છતાં તેમને યોગ્ય ન્યાય મળ્યો નથી તેવો આક્ષેપ તેમણે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષમાં કાર્યકર તરીકે સતત અન્યાય થતો હોવાની લાગણીને કારણે અંતે રાજીનામું આપવાનું પગલું ભરવું પડ્યું. આ અંગે જિલ્લા ભાજપ તરફથી આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે કે અશોક માંગરોળીયાને 29 ડિસેમ્બર 2024 ના રોજ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને હવે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. આ અંગે ભાજપે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીય બંધારણ મુજબ દરેક વ્યક્તિને પોતાની રાજકીય પસંદગીનો અધિકાર છે. અને જો તેઓ અન્ય પક્ષમાં જોડાવા માંગતા હોય તો તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપના બે કાર્યકર્તાઓના રાજીનામાને કારણે અમરેલી જિલ્લામાં રાજકીય સમીકરણોમાં ફેરફારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે આ રાજીનામાનો ચૂંટણી ઉપર કેટલો પ્રભાવ પડે છે. તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
