ભાવનગર માં ફેફસાના નિષ્ણાંત ડોકટરની સમયસર સારવારથી દોઢ વર્ષના બાળકને મળ્યું નવજીવન

ડો. કૈવંત પટેલ દ્વારા શ્ર્વાસનળીમાં ફસાયેલ શીંગદાણાને સફળતાપૂર્વક દૂર કરાયો

સમયસર યોગ્ય સારવાર અને ફેફસાના નિષ્ણાત ડો કૈવંત પટેલની કુશળતાના કારણે દોઢ વર્ષના એક બાળકને નવજીવન મળ્યું હોવાનો પ્રેરણાદાયક કિસ્સો સાચપરા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાળીયાબીડ ખાતે બન્યો છે. જ્યાં દોઢ વર્ષના એક માસૂમ બાળકને અચાનક ગંભીર શ્વાસની તકલીફ થતાં ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકની જમણી મુખ્ય શ્વાસનળીમાં શીંગદાણો ફસાઈ ગયો હતો. શ્વાસ લેવાનો આ મુખ્ય માર્ગ બંધ થઈ જતાં બાળકની સ્થિતિ અત્યંત ગંભીર અને જીવનજોખમી બની ગઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતા અને સમયનું મહત્વ સમજી હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ ડો. કૈવંત શિરીષકુમાર પટેલે તાત્કાલિક ઇમરજન્સી બ્રોન્કોસ્કોપી કરવાનો નિર્ણય લીધો. દોઢ વર્ષના બાળકમાં આ પ્રક્રિયા અત્યંત જટિલ અને જોખમસભર ગણાય છે, કારણ કે બાળકની શ્વાસનળી ખૂબ જ સાંકડી અને નાજુક હોય છે. આથી પ્રક્રિયા દરમિયાન મુખ્ય શ્વાસનળી અને બ્રોન્કસને ઇજા થવાની સંભાવના પણ હોય છે.
આવી ગંભીર સ્થિતિમાં ડો. કૈવંત પટેલે મુખ્ય ઓપરેટિંગ ડોક્ટર તરીકે મોરચો સંભાળ્યો. પ્રોસીજર દરમિયાન પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) ડો વિશાલ સોલંકી તથા એનેસ્થેસીયા નિષ્ણાતના ઉત્તમ સંકલન અને ટીમવર્ક સાથે શ્વાસનળીમાંથી શીંગદાણો સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને નવજીવનઆપ્યું. સારવાર બાદ બાળકનો શ્વાસ સંપૂર્ણપણે સામાન્ય બન્યો છે અને બીજા જ દિવસે સ્વસ્થ રીતે બાળકને રજા આપવામાં આવી હતી.
આ સફળ પ્રોસીજર બાદ ડો. કૈવંત શિરીષકુમાર પટેલે સામાન્ય જનતા અને ખાસ કરીને નાના બાળકોના વાલીઓને જાગૃત કરતાં કેટલીક અત્યંત મહત્વપૂર્ણ સલાહ આપી છે:
5 વર્ષથી નાના બાળકો ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને કોઈપણ નાની વસ્તુ સીધી મોંમાં નાખવાની ટેવ ધરાવે છે. તેથી શીંગદાણા, ચણા, ડ્રાયફ્રૂટ્સ, સિક્કા, નાના બટન, સેફ્ટી પિન કે રમકડાંના નાના પાર્ટ્સ બાળકોની પહોંચથી દૂર રાખવા.
બાળક જ્યારે ખાતું હોય ત્યારે તેને હસાવવું કે રડાવવું નહીં. ખાતા-ખાતા દોડવાની કે રમવાની આદતને કારણે આવી વસ્તુઓ અન્નનળીના બદલે સીધી શ્વાસનળીમાં જવાની સંભાવના વધી જાય છે.

રિલેટેડ ન્યૂઝ