નાણાની જરૂરિયાત ઉભી થતા મિત્ર પાસેથી નાણા લીધેલા અને અનેક ગણુ વ્યાજ વસુલવાનું શરૂ કર્યાનો મિત્રનો આક્ષેપ
સમાજમાં જ્યારે સંબંધો અને વિશ્વાસની વાત આવે ત્યારે લોહીના સંબંધો કરતા પણ મિત્રતાને ઉંચુ સ્થાન આપવામાં આવે છે, પરંતુ ક્યારેક આ જ ‘વિશ્વાસ’ ગળા માટે ગાળિયો બની જતો હોય છે. જામનગરમાં વ્યાજવટાવના કાળા કારોબારમાં એક મિત્રએ જ બીજા મિત્રની લાચારીનો ફાયદો ઉઠાવી તેને પાયમાલ કરી દીધાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાયદાની ભાષામાં કહીએ તો, આ માત્ર નાણાકીય લેણદેણ નથી, પણ એક માનવીના વિશ્વાસનું ‘ખૂન’ અને કાયદાના શાસનને પડકારતી ઘટના છે.
મૂળ જામનગરના વતની અને હાલ અમદાવાદ માં રહેતા ને જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ વસંતભાઈ મકવાણા એ જામનગરના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2011 થી અત્યાર સુધી ચાલેલા આ અન્યાયના દોરમાં આરોપી યુવરાજસિંહ જાડેજા (રાજદીપ ફાયનાન્સ, લાલબંગલા સામે) એ ફરિયાદી સાથે મિત્રતાનો સંબંધ કેળવ્યો હતો.
સંજયભાઈને નાણાંની જરૂરિયાત ઊભી થતા, યુવરાજસિંહએ સરકારી ધારાધોરણ કરતા અનેકગણું ઊંચું વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, સિક્યુરિટી પેટે જામનગરનું એક મકાન, બે ઓફિસ અને અમદાવાદની બે ઓફિસ મળી અંદાજે રૂ. ચાર કરોડ ની મિલકતોના દસ્તાવેજો પોતાની પાસે રાખી લીધા હતા.
ત્યાર બાદમાં ફરિયાદીને અંધારામાં રાખી, આ મિલકતો ત્રાહિત વ્યક્તિઓને વેચી મારી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. જેથી આ મામલાને પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનાની તપાસ પીએસઆઈ એચ.એમ. મહેતા ચલાવી રહ્યા છે.
