સોમૈયા અને સ્મિત કોચિંગ કલાસીસને સીલ કરાયા
જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખા દ્વારા શહેરમાં ચાલતા કોચિંગ તથા ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીની ચકાસણી માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત આજે ફાયર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કોચિંગ ક્લાસોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચકાસણી દરમિયાન ગુરુદ્વારા ચોકડી પાસે આવેલા સોમૈયા કોચિંગ ક્લાસ ખાતે ફાયર એનઓસીનો અભાવ હોવાનું સામે આવતાં ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સંસ્થાને સીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત લીમડાલેન વિસ્તારમાં આવેલા સ્મિત કોચિંગ ક્લાસ ખાતે પણ ફાયર એનઓસી ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળતાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ક્લાસને સીલ મારવામાં આવ્યો હતો.
ચેકિંગ દરમિયાન જામનગરના પટેલ કોલોની, શેરી નંબર-3 ખાતે આવેલા ગેલેરિયા કોમ્પ્લેક્સમાં કાર્યરત એક કોચિંગ ક્લાસમાં ફાયર સેફ્ટી સિસ્ટમમાં કેટલીક ખામીઓ જોવા મળી હતી. જેના પગલે સંચાલકોને જરૂરી સુધારાઓ કરવા સૂચના આપી નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ એક સપ્તાહની અંદર તમામ ખામીઓ દૂર કરીને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા જણાવાયું છે.
ફાયર વિભાગે શહેરના તમામ કોચિંગ અને ટ્યુશન ક્લાસ સંચાલકોને ફાયર એનઓસી, ફાયર સેફ્ટી સાધનો અને સુરક્ષા સંબંધિત નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે. વિભાગે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
