સિંહણને પકડવા દરમિયાન ટ્રાન્સવીલાઇઝર ગનની ગોળી વાગતા વનકર્મી ઘાયલ
વિસાવદરના નાની મોણપરી ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે 4 વર્ષના માસૂમ બાળકને ઉપાડી જઈ, ગંભીર ઇજાઓ કરી દેતા બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું, બીજી બાજુ સિંહણને પકડી પાડવા આવેલ રેસ્ક્યુ ટીમના વન કર્મીને ટ્રાન્ઝ્યુલાઇઝર ગનનો ઉપયોગ કરવા જતા ગોળી અચાનક લાગી જતા, વનકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,
વિસાવદરના નાની મોણપરી ગામની ગીર બોર્ડર નજીક વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે ખેત મજૂરી કરતા પરિવારના એક ચાર વર્ષના માસૂમ બાળકને સિંહણે હુમલો કરીને મારી નાખ્યો છે. આ માસૂમ બાળક વહેલી સવારે ગુમ થયો હતો, જેની જાણ વન વિભાગને કરાતા બાળકના શરીર પર સિંહણના હુમલાના સ્પષ્ટ નિશાન અને ઊંડા જખમો સાથેનો બાળકનો લોહીલુહાણ મૃતદેહ વન વિભાગની ટીમે શોધી કાઢ્યો હતો. તે સાથે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હુમલાખોર સિંહણને પકડવા માટે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવવામા આવી હતી. આ ઘટનાથી વિસાવદર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી અને ભયનો માહોલ ફેલાયો હતો.
દરમિયાન હુમલાખોર સિંહણને પકડી પાડવા સાસણની વન વિભાગની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું, અને તુવેરના ખેતરમાં ટ્રાન્ઝ્યુલાઇઝર ગનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ગોળી અચાનક વનકર્મી શબીરભાઈને લાગી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અને ઇજાગ્રસ્ત વનકર્મીને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
