તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીફ ફસલની ખરીદી કામગીરી સફળતાપૂર્વક સંપન્ન

53 દિવસ દરમ્યાન 97 હજાર 164 ગુણી મગફળી અને 6 હજાર 283 ગુણી સોયાબીનની ખરીદી કરવામાં આવી

તાલાલા પંથકના 45 ગામોમાં મગફળી અને સોયાબીન નું ઉત્પાદન કરતા ખેડૂતો પાસેથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી અને સોયાબીન ખરીદવા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં શરૂ કરેલ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. તાલાલા-1 કેન્દ્ર ઉપરથી તા.09/11/2025 થી તા.31/12/2025 સુધી 53 દિવસ ખરીફ ફસલ ખરીદી ની કામગીરી ચાલી હતી.તાલાલા પંથકના મગફળી અને સોયાબીન ઉત્પાદક કુલ કિસાનો પૈકી 2568 મગફળીના ઉત્પાદક ખેડુતોએ તાલાલા-1 કેન્દ્ર ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તે પૈકી 1776 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ કર્યું હતું જ્યારે સોયાબીન માટે 1251 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 267 ખેડૂતોએ સોયાબીન નું વેંચાણ કર્યું છે.તાલાલા તાલુકાનાં માલજીંજવા ગામની એકતા ફળ અને શાકભાજી સહકારી મંડળીએ 53 દિવસ દરમ્યાન તાલાલા પંથકના ખેડૂતો પાસેથી કુલ 97 હજાર 164 ગુણી મગફળી અને છ હજાર 283 ગુણી સોયાબીનની ખરીદી કરી હતી.ખરીદ સંસ્થાએ ખરીદ કરેલ ખરીફ ફસલ પૈકી મગફળીના રૂ.24 કરોડ 69 લાખ 90 હજાર 888 તથા સોયાબીનના રૂ.1 કરોડ 67 લાખ 37 હજાર 912 મળી કુલ રૂ.26 કરોડ 37 લાખ 28 હજાર 800 ખેડૂતોને ચુકવણું કર્યું હતું. તાલાલા-1 કેન્દ્ર ઉપર ખરીફ ફસલ વેંચાણ કરવા આવેલ ખેડૂતોએ ખરીદ કામગીરીમાં ઉમદા સહકાર આપી સરકારની ખેડૂતલક્ષી કામગીરીને સફળતા અપાવવા બદલ ખરીદ સંસ્થાના પ્રમુખ રાજાભાઈ વાઢેર,મંત્રી હરદાસભાઈ સોલંકી,તાલાલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા,ગુજકોમાસોલ નાં પ્રતિનિધિ યોગેશભાઈ ડોડીયા એ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તાલાલા તાલુકાનાં જશાધાર ગીર ગામે ખરીદ કામગીરી ચાલુ
તાલાલા પંથકના મગફળી અને સોયાબીનના ઉત્પાદક ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ ફસલ નું વેચાણ કરવા દુર જવું પડે નહીં તેમજ મુશ્કેલી પડે નહીં માટે તાલાલા તાલુકાનાં ખેડૂતો માટે તાલાલા માર્કેટિંગ યાર્ડ ઉપરાંત જસાધાર ગીર ગામે બે અલગ અલગ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતાં. તાલાલા પંથકના કુલ 5016 ખેડૂતોએ મગફળી,2451 ખેડૂતોએ ટેકાના ભાવે સોયાબીન આપવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.તાલાલા-1 કેન્દ્રની તાલાલા યાર્ડમાં ખરીદી સંપન્ન થયેલ છે જ્યારે કેદાર સેવા સહકારી મંડળી દ્વારા જસાધાર ગીર ગામે ચાલતી ખરીદી પણ આગામી દિવસોમાં પૂર્ણ થશે.

રિલેટેડ ન્યૂઝ