તા.5 ફેબ્રુઆરીથી દામોદરકુંડ ઘાટ રાબેતા મુજબ સ્નાન અને ધાર્મિક વિધિ અર્થે કાર્યરત થશે
આગામી તા. 11 ફેબ્રુઆરીથી જુનાગઢ ખાતે શરૂ થઈ રહેલા મહાશિવરાત્રી મેળામાં પધારતા ભાવિકો જુનાગઢના પાવન પવિત્ર દામોદર કુંડ ખાતે સ્નાન કરી, ધાર્મિક વિધિ માટે આવતા હોય ત્યારે દામોદર કુંડની સંપૂર્ણ સફાઈ હાથ ધરવામાં આવી છે. અને આગામી તા. 4 ફેબ્રુઆરી સુધી દામોદર કુંડની સફાઈ અને પવિત્ર જળ ભરવાની કામગીરી કરવાની હોય, જેથી ભાવિકજનોએ આગામી તા. 4 જાન્યુઆરી સુધી દામોદર કુંડમાં સ્નાન કે કોઈ ધાર્મિક વિધિએ ન આવવા અનુરોધ કરાયો છે. જો કે, આગામી તા. 5 ફેબ્રુઆરી, ગુરૂવારથી દામોદરકુંડ ઘાટ રાબેતા મુજબ સ્નાન અને ધાર્મિક વિધિ અર્થે કાર્યાન્વિત થશે તેમ દામોદરકુંડ તીર્થગોર સમિતિના પ્રમુખ દ્વારા જણાવાયું છે. જુનાગઢ ખાતે આગામી તા. 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મેળામાં આવતા લાખો ભાવિકો પૈકી વ્યાપક સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢના પાવન પવિત્ર એવા દામોદરકુંડ ખાતે સ્નાન અર્થે આવતા હોય છે, ત્યારે યાત્રિકોના સ્વાસ્થ્ય અને જળની પવિત્રતા યથાર્થ રહે તેવા શુભ આશ્રય સાથે જૂનાગઢનો દામોદરકુંડ સાફ સફાઈ અર્થે સંપૂર્ણ ખાલી કરવામાં આવેલ છે. અને કુંડની સફાઈ પૂર્ણ થયા બાદ આગામી તા. 5 ફેબ્રુઆરી, ગુરૂવારથી દામોદરકુંડ ઘાટ રાબેતા મુજબ સ્નાન અને ધાર્મિક વિધિ અર્થે કાર્યાન્વિત થશે, તેમ દામોદરકુંડ તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશભાઈ પુરોહિત દ્વારા જણાવાયુ છે.
