ન્યુઝીલેન્ડના જર્નલમાં અહેવાલ થયો પ્રકાશિત
પોરબંદરની એમડી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ નાગ ચંપા ઉપર મહત્વનું સંશોધન કર્યું છે
પોરબંદર મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ ના વનસ્પતિશાસ્ત્ર વિભાગના સંશોધકોએ શોભાવંત છોડ તરીકે ઓળખાતા નાગચંપા અથવા વ્હાઇટ ફ્રેન્જીપાની ના મૂળમાં અસાધારણ ઔષધિય ક્ષમતાઓ હોવાનો ખુલાસો થયો છે.
પ્લુમેરિયા પુડિકાજેક્ક.ની મૂળના અર્ક: એલસી-એમએસ/એમએસ વિશ્લેષણ દ્વારા ફાયટોકેમિકલ, એન્ટીઑક્સિડન્ટ અને એન્ટીમાઇક્રોબિયલ સંદર્ભો સાથે બાયો એક્ટિવ્સનો સમૃદ્ધ સ્રોત શીર્ષક હેઠળનું આ સંશોધન આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત જર્નલ ન્યૂઝીલેન્ડ જર્નલ ઑફબોટની માં પ્રકાશિત થયું છે. આ જર્નલનું પ્રકાશન ન્યૂઝીલેન્ડ દેશના માં આવેલી રોયલ સોસાયટી ઑફ ન્યૂઝીલેન્ડ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
આ સંશોધન મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ, પોરબંદરના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સંશોધકો કવન શુક્લા, કુણાલ એન.ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું છે.
આજના સમયમાં કેન્સર, અલ્ઝાઈમર, હૃદયરોગ, ચેપજન્ય રોગો તેમજ ઓક્સિડેટિવસ્ટ્રેસ સંબંધિત બીમારીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઓછા આડઅસરવાળી અને કુદરતી દવાઓની જરૂરિયાત વધી રહી છે. આ સંશોધન તે દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાનરૂપ છે, કારણ કે તેમાં પહેલીવાર નાગચંપા છોડના મૂળને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વ્યાપક રીતે તપાસવામાં આવ્યા છે.
અભ્યાસ દરમિયાન નાગચંપાના મૂળમાંથી અલગ-અલગ દ્રાવકો દ્વારા અર્ક કાઢીને તેની ગુણાત્મક તથા પરિમાણાત્મકફાઇટોકેમિકલ તપાસ કરવામાં આવી. પરિણામે જાણવા મળ્યું કે આ છોડના મૂળમાં ફ્લેવોનોઇડ્સ, ફિનોલ્સ, એલ્કેલોઇડ્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ સહિત અનેક મહત્વપૂર્ણ જૈવિક સંયોજનો સમૃદ્ધ માત્રામાં હાજર છે. ખાસ કરીને હાઇડ્રો-આલ્કોહોલિક અર્કમાં ફિનોલ્સ અને ફ્લેવોનોઇડ્સનું પ્રમાણ સૌથી વધુ હોવાનું નોંધાયું, જે મજબૂત એન્ટી ઓક્સિડન્ટ પ્રવૃત્તિ દર્શાવે છે.
પ્રયોગાત્મક પરિણામોમાં આ અર્કની એન્ટીઓક્સિડન્ટ ક્ષમતા વિટામિન ઈ જેવી માનક દવા જેટલી અસરકારક હોવાનું સાબિત થયું છે, જે માનવ શરીરમાં ફ્રી રેડિકલ્સથી થનારા નુકસાનનેઘટાડવામાં ઉપયોગી બની શકે છે. સાથે સાથે, સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે નાગચંપાના મૂળનાઅર્કોમાં સ્ટાફિલોકોકસઓરિયસ, સાલ્મોનેલા એન્ટેરિકા અને પ્સ્યુડોમોનાસ એર્યુજિનોસા જેવી હાનિકારક બેક્ટેરિયા સામે નોંધપાત્ર જીવાણુનાશક અસર છે.
આ અભ્યાસની વિશેષતા એ છે કે તેમાં અત્યાધુનિકકઈ-ચઝઘઋ ખજ/ખજ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાગચંપાના મૂળમાં હાજર અનેક ઔષધિય રીતે મહત્વપૂર્ણ સંયોજનોની ઓળખ કરવામાં આવી છે. આ સંયોજનોમાં કેન્સર વિરોધી, સોજા ઘટાડનારા, નસોની સુરક્ષા કરનારા તથા જીવાણુનાશકગુણધર્મો ધરાવતા પદાર્થોનો સમાવેશ થાય છે, જે આ છોડના મૂળમાં પહેલીવાર વૈજ્ઞાનિક રીતે નોંધાયા છે.
ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજાના મતાનુસાર, હાઇડ્રો-આલ્કોહોલિક પદ્ધતિ દ્વારા અર્ક કાઢવાથી સૌથી વધુ ઔષધિય સંયોજનો પ્રાપ્ત થાય છે, જે ભવિષ્યના સંશોધન માટે માર્ગદર્શક બની શકે છે. નાગચંપા છોડ સરળતાથી ઉપલબ્ધ, સહેલાઈથી ઉગાડી શકાય એવો અને પર્યાવરણને અનુકૂળ હોવાથી તેની ઔષધિય ઉપયોગિતા આર્થિક તથા પર્યાવરણીય રીતે પણ ટકાઉ છે.
સંશોધકોનું માનવું છે કે આ અભ્યાસ ભવિષ્યમાં પ્રાણી આધારિત પરીક્ષણો, ઝેરી અસરનું મૂલ્યાંકન અને દવા વિકાસ માટે મજબૂત પાયો પૂરું પાડે છે. આવનાર સમયમાં નાગચંપા છોડ માનવ આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ કુદરતી ઔષધિય સ્ત્રોત તરીકે સ્થાપિત થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ,ડો. વી. ટી. થાનકી અને બોટનિકલ એડવાન્સ્ડ એસોસિએશન, ગુજરાત ના પ્રમુખ, ડો.એન. કે. પટેલએ સંશોધકોને તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
