ક્રિેકેટનો બોલ ટી.વી.ને લાગતા બાળકોને ત્યાંથી દૂર ચાલ્યા જવાનું કહેતા થઇ બબાલ: બે શખ્સો સામે નોંધાયો ગુન્હો
પોરબંદરના નવાકુંભારવાડા વિસ્તારમાં વૃધ્ધ ઉપર છરી વડે હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
નવા કુંભારવાડામાં આવેલ શેરી નં. 25માં રહેતા મોહનભાઇ સોમાભાઇ સોલંકી નામના 72 વર્ષના વૃધ્ધે કીર્તિમંદિર પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ બપોરે ઘરે હતા ત્યારે ઘરની બહાર નાના બાળકો ક્રિકેટ રમતા હતા અને એ દરમ્યાન બે થી ત્રણવાર તેમનો બોલ ઘરમાં આવ્યો હતો અને ફરીયાદીના ટી.વી.માં લાગ્યો હતો તેથી મોહનભાઇએ ત્યાં નહી રમવા અને ત્યાંથી જતા રહેવા જણાવ્યુ હતુ. એટલે એ બાળકો ત્યાંથી જતા રહ્યા હતા.
થોડા સમય પછી તેમની શેરીમાં રહેતો હરીશ નારણ ચાવડા અને રાજુ હીરા ત્યાં આવ્યા હતા અને બાળકોને ભગાડયાનું મનદુ:ખ રાખીને મોહનભાઇના ઘર પાસે ઉભીને ગાળો બોલતા હતા આથી વૃધ્ધે તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. હરીશે મોહનભાઇ પર છરીનો ઘા કરવા જતા તેમનો પુત્ર મહેશ ત્યાં હાજર હતો જેણે તેના પિતાને પાછળ ખેંચી લેતા નાકના ભાગે છરીથી ઇજા થઇ હતી. ત્યારબાદ ફરીયાદીના પુત્ર મહેશ અને દોહીત્ર નિર્મલ મનસુખ મકવાણાએ ફરીયાદી મોહનભાઇને ડેલામાં લઇને દરવાજો બંધ કરી દીધો હતો ત્યારબાદ પણ બંને જણા બહાર ઉભીને ગાળો બોલતા હતા અને ‘આજ પછી કયારેય પણ છોકરાઓને રમવા બાબતે કહ્યુ તો જીવતા નહી મેલીએ તેવી ધમકી આપી હતી.’ આથી ફરિયાદીના દીકરા મહેશે 112 નંબરમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવી જતા તેની ગાડીમાં બેસીને કીર્તિમંદિર પોલીસમથક ખાતે આવી મોહનભાઇ સોલંકી નામના વૃધ્ધે હરીશ નારણ ચાવડા અને રાજુ હીરા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવ્યો છે.
