શાળામાંથી વિદ્યાર્થીઓની સાથે શિક્ષકે પણ લીધી વિદાય

આદિત્યાણાની પી.એમ. શ્રી ડંકી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને શિક્ષકનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

પોરબંદર નજીકના આદિત્યાણા ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને શિક્ષકનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આદિત્યાણામાં ડંકી વિસ્તારમાં આવેલ પી. એમ.શ્રી ડંકી પ્રાથમિક શાળામાં શિક્ષક સુરેશભાઈ વાછાણીનો વિદાય અને ધોરણ 8 ના વિધાર્થીઓને દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી ત્યાર બાદ શાળાના આચાર્ય હિરેનભાઈ વાજાએ સૌને શબ્દોથી સ્વાગત કરી, સૌ મહેમાનો પરિચય કરાવી અને શાળાની કામગીરીથી સૌને વાકેફ કરેલ હતા. શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરેલ હતું. શાળાના શિક્ષક સુરેશભાઈ વાછાણી કે જેઓ તા.31.05.26 ના રોજ નિવૃત થતા હોય, તેમને ખાસ વિદાયમાન આપેલ હતું. સુરેશભાઈ વાછાણી એ 10 વર્ષ આર્મીમાં ફરજ બજાવ્યા બાદ સૌ પ્રથમ પોરબંદર તાલુકાના રોજડા ગામે શિક્ષક તરીકે ફરજમાં જોડાયા હતા, ત્યાર બાદ આદિતપરા પ્રાથમિક શાળા, કુમાર શાળા રાણાવાવ અને આ શાળામાં 10 વર્ષથી સેવા આપી રહ્યા છે. તેમની ફરજ દરમ્યાન તેમણે ખાસ કરીને યોગ અને આર્યુવેદ અને બીજા તમામ વિષયોમાં વિવિધ તાલીમોમાં શિક્ષણની સાથે સેવાઓ આપેલ છે. શાળામાં પણ રમત ગમત, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા, સી. ઈ. ટી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓમાં વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપેલ છે. તેમની આ વિશિષ્ટ કામગીરીની નોંધ લઈ બહોળી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિદાય આપેલ છે. આ કાર્યક્રમમાં રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો અલ્તાફ રાઠોડ, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર ના અધ્યક્ષ લાખાભાઈ ચુડાવદરા, પ્રચાર મંત્રી દિવ્યેશભાઈ, ભાણવડમાં ભૂતપૂર્વ બી. આર. સી. કો. ઓર્ડીનેટર શંકરસિંહ બારૈયા, રોજડા ભૂતપૂર્વ આચાર્ય થાનકી સાહેબ વગેરેએ ઉપસ્થિત રહી સુરેશભાઈની કામગીરીને બિરદાવેલ છે. સાથે સાથે આ શાળામાંથી ધોરણ 8 પૂર્ણ કરનાર વિધાર્થીઓનો પણ દિક્ષાંત સમારોહ યોજાયો હતો. તમામે વિધાર્થીઓને તેના ઉજ્વળ ભાવિની શુભેચ્છાઓ પાઠવેલ છે. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મયુરસિંહ રાઠોડ અને આભાર વિધિ સંજયભાઈ કોઠારીએ કરેલ હતી.

રિલેટેડ ન્યૂઝ