પ્રતિબંધિત પ્લાસ્ટિક વહેંચનારા વેપારીઓ અને જાહેરમાં કચરો ફેકનારા ઈસમોથી માંડીને ગેરકાયદેસર ઘાસચારો વહેંચનારા લોકો સામે કરી લાલઆંખ: મહાનગરપાલિકાના તંત્રએ હજારો રૂપિયાના દંડની કરી વસુલાત
પોરબંદરમાં મહાનગરપાલિકાના તંત્રએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પર્યાવરણનું સંરક્ષણ થાય તે હેતુસર પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ જાહેરમાં ગેરકાયદે ઘાસચારો વેચતા અથવા કચરો ફેલાવતા શખ્સો વિરુદ્ધ પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી તથા જુદા-જુદા વોર્ડના સેનિટરી સબ ઈન્સ્પેક્ટર તેમજ સુપરવાઇઝરોની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ (ઝબલા) વેચતા તથા તેનો ઉપયોગ કરતા કુલ 13 વેપારીઓ ઝડપાયા હતા. આ વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ રૂ.3,700 વસુલ કરી પ્રતિબંધિત 5.5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.તથા જાહેરમાં વ્યક્તિ વેપારીઓ દ્વારા ગંદકી કરનાર તથા જાહેર જગ્યાઓ ઘાસચારો વેચનાર ટોટલ – 3 લોકોને રૂ.2,000 નો દંડ કરવામાં આવ્યો હતો. 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આવું કરતા પકડાશે તો મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ.5,000સુધીનો દંડ ફટકારવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત વધુમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત થવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તથા હંમેશા કચરાને ડસ્ટબિનમાં એકઠો કરી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વાહનમાં નાખવા જાણ કરવામાં આવે છે. અન્યથા મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ.100 થી લઈ રૂ.5000 સુધીનો દંડ કરવામાં આવશે તેમ જણાવી સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
