પોરબંદરમાં કરોડો રૂપિયાની મોકાની જમીન ખાઇ રહી છે ધૂળ

પોરબંદરમાં કરોડો રૂપિયાની મોકાની જમીન ધૂળ ખાઇ રહી છે. નગરપાલિકા સમયે આરોગ્ય અને શિક્ષણના હેતુ માટે ફાળવાયેલા પ્લોટમાં વર્ષો પછી એક ઇંટ પણ મુકાઇ નહી હોવાથી જમીન કચરાના ઢગલા અને બિનજરૂરી દબાણનો ભોગ બની રહી છે તેથી પહેલા મેયર નવી પહેલ કરીને સંસ્થાનોઓને સોંપે તેવુ સૂચન થયુ છે.
વર્ષો પહેલા ફાળવાયા હતા પ્લોટ
પોરબંદર શહેરમાં વર્ષો પહેલા તત્કાલીન નગરપાલિકાના શાસકો દ્વારા હોસ્પિટલ સહિત વિવિધ સામાજિક અને જનહિતના કાર્યો માટે શહેરની મધ્યમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીનો ફાળવવામાં આવી હતી. જોકે, વર્ષો વીતી જવા છતાં જે તે સંસ્થાઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા, આ મોકાના પ્લોટો આજે પણ ખાલીખમ અને ‘જૈસે થે’ સ્થિતિમાં પડ્યા છે. હવે જ્યારે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, ત્યારે આ બિનઉપયોગી જમીનો પરત મેળવી પ્રજાહિતમાં તેનો વિકાસ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.
મોકાના પ્લોટ બન્યા બિનઉપયોગી
ભૂતકાળમાં નગરપાલિકાના શાસકોએ ઉમદા હેતુથી, ખાસ કરીને આરોગ્ય (હોસ્પિટલ), શિક્ષણ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે સંસ્થાઓને શહેરના પ્રાઇમ લોકેશન પર જમીનો ફાળવી હતી. નિયમ મુજબ જે તે હેતુ માટે નિયત સમયગાળામાં બાંધકામ કે કામગીરી શરૂ કરવાની હોય છે. પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે વર્ષો વીતી ગયા છતાં પ્લોટ પર એક ઈંટ પણ મુકાઈ નથી. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી પ્રજાની આ અસ્કયામતો આજે માત્ર ખુલ્લા મેદાનો બનીને રહી ગઈ છે. યોગ્ય જાળવણીના અભાવે આ કિંમતી પ્લોટો કચરાના ઢગ અથવા બિનજરૂરી દબાણોનો ભોગ બની રહ્યા છે.
મહાનગરપાલિકા
બનતા જાગી નવી આશા
પોરબંદર હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ચૂક્યું છે, ત્યારે શહેરના આયોજનબદ્ધ વિકાસ માટે જમીનની ભારે જરૂરિયાત ઊભી થશે. પોરબંદરના જાગૃત નાગરિકો અને લોકમતનું માનવું છે કે નવા નિમાયેલા મેયર અને કમિશ્ર્નરે આ ગંભીર મુદ્દાને પ્રાથમિકતા આપવી જોઈએ.
જમીન પરત મેળવવાની પ્રક્રિયા
જે સંસ્થાઓએ ફાળવણીના વર્ષો પછી પણ હોસ્પિટલ કે અન્ય નિયત પ્રોજેક્ટ શરૂ નથી કર્યા, તેમની પાસેથી આ જમીનો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે તે જરૂરી છે.
મહાનગરપાલિકા જાતે વિકાસ કરે
આ પ્રાઇમ લોકેશન પર મહાનગરપાલિકા પોતે અદ્યતન સુવિધાઓ, સરકારી હોસ્પિટલ, બગીચા કે કોમ્યુનિટી હોલ બનાવીને જનતાને સમર્પિત કરે તેવુ સૂચન થયુ છે.
અન્ય સક્રિય સંસ્થાઓને તક
જો મહાનગરપાલિકા જાતે કામ ન કરવા માંગતી હોય, તો ખરેખર કામ કરવા ઈચ્છતી અને સક્ષમ અન્ય સેવાભાવી સંસ્થાઓને આ પ્લોટ સોંપીને મૂળ હેતુ સાર્થક કરવામાં આવે તેવી માંગણી થઇ છે.
નવા શાસકો માટે કસોટીનો સમય
શહેરની મધ્યમાં આવેલા આવા અનેક પ્લોટો જો સરકારી હસ્તક આવે, તો કરોડો રૂપિયાના ખર્ચે થનારા નવા વિકાસ કામો માટે જમીન ખરીદવાનો મોટો ખર્ચ બચી શકે તેમ છે. પોરબંદરના હિતમાં નવા મેયર અને વહીવટી તંત્ર આ દિશામાં કડક કાનૂની પગલાં ભરીને કિંમતી જમીનો ખુલ્લી કરાવે છે કે કેમ, તેના પર હવે સૌની મીટ મંડાણી છે. પ્રજા ઈચ્છી રહી છે કે વર્ષોથી વણવપરાયેલી પડેલી આ જમીનો હવે પોરબંદરના આધુનિક વિકાસનું કેન્દ્ર બને તેવી લાગણી વ્યકત થઇ છે.

રિલેટેડ ન્યૂઝ