અમદાવાદના જન્માષ્ટમીના મહોત્સવમાં પોરબંદરની યુવતીએ કર્યુ સફળ સંચાલન

સરકારી હોસ્પિટલના રેડીયોલોજી વિભાગના વડાની પુત્રીએ સૌને બનાવ્યા મંત્રમુગ્ધ: કલારસિકો અને ઇસ્કોનના વરિષ્ઠ અગ્રણીઓ થયા પ્રભાવિત

અમદાવાદના જન્માષ્ટમીના મહોત્સવમાં પોરબંદરની યુવતીએ સફળ સંચાલન કર્યુ હતુ.
કલા જ્યારે ભક્તિ અને આધુનિક સર્જનાત્મકતા સાથે જોડાય છે ત્યારે અદ્ભુત પરિણામ સર્જાય છે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના જાણીતા વડા હસમુખભાઈ છેલાવડાની પુત્રી અને આશાસ્પદ આર્ટિસ્ટ ધ્વનિ છેલાવડાએ પોતાની અનોખી કલા અને ડિજિટલ વિઝન થકી પોરબંદર સહિત સમગ્ર કલાજગતનું ગૌરવ વધાર્યું છે. ધ્વનિ ‘સ્ટુડીયો સ્પેકસ સ્પાર્કલ્સ’ થકી આર્ટ ક્યુરેશન અને વિવિધ વિશિષ્ટ વર્કશોપ્સનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. તેમણે અર્બન ફ્લી અમદાવાદ, મેકર્સ ફેસ્ટિવલ, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇ.ડી.આઇ.આઇ.), રત્ના ગ્રૂપ તેમજ જિતો (જે.આઇ.ટી.ઓ.-જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને ગ્લોબલ સમિટ્સમાં વર્કશોપ્સ યોજીને કલાજગતમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
પવિત્ર જન્માષ્ટમીના પાવન પર્વ પર ધ્વનિ છેલાવડા અને તેમના પ્રોફેશનલ પાર્ટનર કનિષ્ક તેજુરા દ્વારા અમદાવાદના એસ.જી. હાઈવે સ્થિત ઈસ્કોન મંદિર માટે એક વિશેષ અને વ્યાપક ડિજિટલ કેમ્પેઈન તૈયાર કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન ધ્વનિ દ્વારા ખાસ ક્યુરેટ કરાયેલી ભાવપૂર્ણ અને આધ્યાત્મિક કલાકૃતિઓ ઈસ્કોન મંદિરના ચેરમેન મદન મોહન પ્રભુજી તેમજ ઈસ્કોન ગુજરાતના પી.આર અને કોમ્યુનિકેશન્સ હેડ તથા ડિરેક્ટર હરેશ ગોવિંદ પ્રભુજી સહિતના અગ્રણી મહાનુભાવોને સન્માનપૂર્વક ભેટ અર્પણ કરવામાં આવી હતી.
આધ્યાત્મિક નેતૃત્વ અને અગ્રણી મહાનુભાવો દ્વારા પરંપરાગત તથા અર્થપૂર્ણ કલાની આ રીતે સરાહના થવી તે માત્ર ધ્વનિ છેલાવડા અને બ્રાન્ડની ટીમ માટે જ નહીં, પરંતુ પોરબંદર શહેર તથા સમસ્ત કલા સમુદાય માટે અત્યંત ગૌરવશાળી ક્ષણ છે.

રિલેટેડ ન્યૂઝ