રાજકોટની કુખ્યાત બાટલી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 14 શખ્સો સામે ગુજસીટોકની ફરિયાદ

ખૂન, લૂંટ, અપહરણ અને ડ્રગ્સ સહિત 30 ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવતી સંગઠિત ટોળી પર ક્રાઇમ બ્રાંચની મોટી કાર્યવાહી

રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી સક્રિય બાટલી ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ-2015 (ગુજસીટોક) હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ગેંગના મુખ્ય સૂત્રધાર સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા સહિત કુલ 14 સાગરીતો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં અમલમાં રહેલો ગુજસીટોક કાયદો સંગઠિત ગુના આચરતી ટોળીઓને કાબૂમાં લેવા માટેનો કડક કાયદો છે. રાજકોટ શહેરમાં બાટલી ગેંગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ઘરફોડ ચોરી, અપહરણ, ધમકી, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ તથા એન.ડી.પી.એસ. જેવા ગંભીર ગુનાઓ આચરવામાં આવતા હતા, જેના કારણે નાગરિકોમાં ભારે ભયનું વાતાવરણ ઉભું થયું હતું. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી. બસીયા અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનની ટીમે અતિ ગુપ્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા દ્વારા રચાયેલી બાટલી ગેંગમાં સરફરાજ ઉર્ફે ઇડો આરીફભાઈ કાદરી, કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઈ પરમાર, સમીર ઉર્ફે ધમો બસીરભાઈ ઇસ્માઇલભાઈ શેખ, ઇશોભા રીજવાન દલ, મીરખાન રહીશભાઈ દલ, અસલમ ઉર્ફે સર્કિટ બસીરભાઈ ઇસ્માઇલભાઈ શેખ, સુલેમાન નિઝામભાઈ દલ, ઇરફાન ખમીશભાઈ ભાણુ અને સાહીલ ઉર્ફે ભુરો મુકેશભાઈ પાટડીયા ઝાલા સહિતના આરોપીઓ સામેલ હતા. આ તમામ આરોપીઓએ પરસ્પર મીલાપી રીતે તેમજ અલગ-અલગ રીતે ગુનાઓ આચરી પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિને આજીવિકાનું સાધન બનાવી લીધું હતું.પોલીસ તપાસમાં 2016થી 2025 દરમ્યાન રાજકોટ શહેર તથા આજુબાજુના જિલ્લાઓમાં આ ગેંગ વિરુદ્ધ કુલ 30 ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલ મુખ્ય સૂત્રધાર સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા પાસા હેઠળ વડોદરા જેલમાં બંધ હોવાનું જાણવા મળ્યું છે, જેને કબ્જામાં લઇ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, તથા પો.સબ.ઇન્સ સી.બી.જાડેજા, વી.ડી. ડોડીયા, એ.એન.પરમાર, આર.કે. ગોહિલ, ડી.પી.ઝાલા, એસ.વી .ચુડાસમા તથા એ.એસ. આઇ જનકભાઇ ફુગસીયા પોલીસ હેડ કોન્સ પ્રતીકસિંહ રાઠોડ, તથા ટીમના માણસો દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં મહત્વની કામગીરી કરેલ છે.

આરોપીઓને ઝડપી લેવા પોલીસની કડક કાર્યવાહી
આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોની સક્રિય કામગીરીના પરિણામે મોટાભાગના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ગુન્હામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર કેસની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર ઉત્તર વિભાગ વી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.
બાટલી ગેંગનો ગુનાખોરીનો કાળો ઇતિહાસ
બાટલી ગેંગ દ્વારા ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ઘરફોડ ચોરી, અપહરણ અને એન.ડી.પી.એસ. સહિત કુલ 30 ગુનાઓ નોંધાયેલા છે. ઘરફોડ ચોરી અને ડ્રગ્સ વેચાણને આજીવિકાનું સાધન બનાવનારી આ ગેંગ લાંબા સમયથી રાજકોટ શહેરમાં ભય ફેલાવી રહી હતી. પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ