વેપારીની પોલીસ સામેની મનાઇ હુકમની અરજી રદ
રાજકોટ શહેરના જ્યુબેલી ચોક પાસે દુકાન ચલાવતા ઈકબાલભાઈ રજાકભાઈ ડોસાણીએ સિવિલ કોર્ટમાં દિવાની દાવો દાખલ કરી અને તેમાં પોલીસ કમિશ્નરને પ્રતિવાદી તરીકે જોડી મનાઈ હુકમની માંગણી કરેલી. જે માંગણીની અરજી રાજકોટની સિવિલ કોર્ટે નામંજુર કરેલ છે. વાદી ઈકબાલભાઈ ડોસાણીના દાવાની ટુંકમાં હકીકત મુજબ, પોલીસ કમિશ્નરના તાબાના પોલીસ સ્ટેશના પોલીસ અધિકારી દ્વારા તેમને હેરાનગતી કરવામાં આવેલ છે અને તેની અસર તેમના ધંધા રોજગાર પર પડેલ છે. આ બાબતને લઈને તેમણે મનાઈ હુકમની માંગણી કરેલી અને તેમાં પ્રતિવાદી પોતાની દુકાનનો ધંધો બંધ કરાવે નહી તે હકીકતને ખાસ દર્શાવેલી. બન્ને પક્ષો દ્વારા મનાઈ હુકમની અરજી સબંધે વિગતવારની દલીલો કરવામાં આવેલી જેમાં સરકાર તરફેથી ઉપસ્થિત રહીને મદદનીશ સરકારી વકીલએ ભારપૂર્વક જણાવેલ કે, વાદીને ઈરરીપેરેબલ લોશ થાય તેવુ નથી કે તેમના બ્રેડ બટરનો સવાલ ઉભો થાય તેમ નથી. એ રીતે વાદીનો સ્ટ્રોંય પ્રાઈમાફેસી કેસ નથી અને બેલેન્સ ઓફ ક્ધવીનીયન્સ વાદીની તરફેણમાં નથી અને વાદીની પ્રતિષ્ઠાને નુકસાન જાય કે આર્થિક નુકસાન જાય તેવુ કોઈ કૃત્ય પ્રતિવાદીના તાબાના અધિકારીઓએ કરેલ નથી જેથી વાદીશ્ને મનાઈ હુકમ આપી શકાય નહીં. સિવિલ કોર્ટે બન્ને પક્ષે થયેલી રજુઆતોને ધ્યાને લઈ વાદીની મનાઈ હુકમની માંગણીની અરજી રદ કરેલ છે. ઉપરાંત પોલીસને પણ કાયદા મુજબ જ કાર્યવાહી કરવા સૂચના-માર્ગદર્શન આપ્યું હતું. આ દાવામાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ મહેશકુમાર જોષીએ દલીલો કરેલી હતી.
ચેક રીટર્ન કેસમાં આરોપીને બે-બે વર્ષની કેદ
ચેક રીટર્ન કેસોમાં રકમ પરત કરવાના ચુકાદાઓના કિસ્સાઓ ભાગ્યેજ બનતા હોય છે તેવી ઘટના રાજકોટની અદાલતમાં પાંચ-પાંચ લાખના પાંચ ચેકો રીટર્ન કેસોમાં બે-બે વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ કરીયાદીને એક માસમાં ચુકવવી અને તેમાં કસુર કર્યે વધુ છ-છ માસની સજા ફરમાવતો સીમાચીન્હરૂપ ચુકાદો રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. ફરમાવતા ચેકો રીટર્નના આવા પાંચ એકી સાથેના સીમાચીન્હરૂપ ચુકાદાઓથી ચેક રીટર્ન કેસોના આરોપીઓમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે. કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી રસીકભાઈ શામજીભાઈ ચોવટીયા સબમર્સીબલ પંપનો વ્યવસાય કરતા હોય અને આરોપી મિત પ્રવિણ ભાઈ ગોઠી સ્ક્રેપનો ધંધો કરતા હોય એ રીતે ફરીયાદી તથા આરોપી દશેક વર્ષથી સબંધો ધરાવતા હોય, આરોપીને પોતાના ધંધાનો વ્યાપ વધારી વિશાળ જગ્યામાં ધંધો કરવો હોય લોન પાસ થઈ જાય ત્યાં સુધી બે માસ પુરતી રકમ રૂપીયા પચીસ લાખ જરૂરીયાત હોવાથી ફરીયાદી પાસેથી મિત્રતાના સબંધના નાતે લીધેલ. લોન પાસ થવામાં મોડુ થતા તહોમતદારે ફરીયાદી રસીક ચોવટીયા પાસેથી રકમ રૂા.2પ,00,000/- મેળવી તે સબંધે પ્રોમીસરી નોટ લખી આપી હતી. પાંચ પાંચ લાખના પાંચ ચેકો ફરીયાદી જોગ ઈશ્યુ કરી આપી, સહી કરી આપી હતી. આ ચેકો રિટર્ન થયા હતા. જેનો કેસ ચાલી જતા ફરિયાદીના વકીલ સુરેશ ફળદુએ કરેલી દલીલો અને રજૂ રાખેલા પુરાવા તેમજ ટાંકેલા ચુકાદા ધ્યાને લઈ કોર્ટે પાંચ કેસોમાં ફરીયાદીના કેસો પુરવાર માની આરોપી મિત પ્રવિણભાઈ ગોઠીને દરેક કેસમાં બે-બે વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ ફરીયાદીને એક માસમાં ચુકવવી અને તેમાં કસુર કર્યો વધુ છ-છ માસની એ રીતે સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલ હતા.
પાંચમાં માળેથી બે મજુર પટકાયા એકનું મોત
શહેરના નવા 150 ફૂટ રીંગરોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ્ની બાજુમાં આવેલ બાંધકામ સાઈટના પાંચમા માળેથી બે મજૂર પટકાયા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર રામપ્યારે (ઉ.વ.37), અને યોગેન્દ્ર રામ (ઉ.વ.34) (રહે. બન્ને પ્રદ્યુમન પ્રાઇડ કોકોનેટ પાર્ટી પ્લોટની બાજુમાં, નવો 150 ફૂટ રીંગરોડ, રાજકોટ) ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ સાઇટ ઉપર કામ કરતા હતા, ત્યારે બંને પાંચમા મળેથી પડી ગયા હતા. તેઓને તત્કાલ પુનિત નગર 80 ફૂટ રોડ સ્થિત આયુષ્યમાન હોસ્પિટલે ખસેડાયા હતા. અહીં પ્યારેરામને માથામાં, પેટમાં, અને પગના ભાગે ઈજા થઈ હોવાથી સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યોગેન્દ્રરામને હાથે પગે, તથા મોઢા પર ઇજાઓ હોવાથી સારવારમાં દાખલ કરાયો હતો. રાજકોટ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ કીશનભાઇ એમ. અજાગીયા તેમના રાઇટર સાથે દોડી ગયા હતા. તપાસ કરતા બંને સાઇટ ઉપર કામ કરતા હતા ત્યારે અકસ્માતે પડી ગયાનું ખુલ્યું હતું. બંને શ્રમિક મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુનો દાખલ થયા પછી ફરીયાદીને માર માર્યો
જેતપુરના અમરનગર રોડ પર આકાશ રેસીડેન્સીમાં રહેતાં હીનાબેન પ્રવીણભાઇ જેઠવા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કુખ્યાત પાયલ બૂટાણી અને પાયલ ડાભીનું નામ આપી જણાવ્યું હતું કે, તેણીને સંતાનમા ત્રણ દીકરીઓ છે. ગઈકાલે સાંજના સમયે તેઓ ઘરે દીકરીને રમાડતી હતી ત્યારે પાયલ ભાવેશ બુટાણી તથા પાડોશમા રહેતી પાયલ ડાભી ઘરે આવેલ અને કહેવા લાગેલ કે, તે કેમ અમારા વિરૂધ્ધમા પોલીસ ફરીયાદ કરેલ છે, જેથી તેમને કહેલ કે, તમે કાલે મારી તથા મારા પતિ સાથે મારામારી કરેલ અને મને હાથમા ઈજા કરેલ છે, જેથી મે તમારી સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરેલ છે, તેમ કહેતા પાયલ બુટાણી અને પાયલ ડાભી ઉશ્કેરાય ગયેલ અને માર મારી કહેવા લાગેલ કે, જો તે ફરીવાર અમારા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી તો તને જાનથી મારી નાખશું તેમ કહી ધમકી આપવા લાગેલ અને બંનેએ શરીરે ઢીકા પાટુનો મુંઢ માર મારેલ હતો. તેણીના સાસુ મનહરબાએ વધુ મારમાથી છોડાવેલ અને આ બંને ઘરેથી જતી રહેલ અને ફ્લેટની નીચે પાર્કિંગમા તથા શેરીમા જાહેરમાં ગાળો આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. ઉલ્લેખનીય છે કે, જેતપુરની કુખ્યાત પાયલ બુટાણીએ લખણ ઝળકાવી તેમના મકાને સફાઈ કરવા આવતી મહિલા પર ચોરીનો આળ મૂકી તેને માર માર્યો હતો. બાદમાં ફરીવાર ઘરે ધસી જઈ મહિલા અને તેના પતિ પર હુમલો કરતા પાયલ બુટાણી, તેની માતા સહીત ત્રણ વિરુદ્ધ ગઈકાલે ગુનો નોંધાયો હતો, જેનો ખાર રાખી ફરીવાર મારામારી કરી હતી.
આઇડી પર ક્રિકેટ સટો રમતો શખ્સ ઝડપાયો
ગાંધીગ્રામ મેઇન રોડ પર એસ.કે. ચોક પાસે મોબાઈલ આઈડી મારફત ટી-20 વર્લ્ડ કપના મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહેલા મહિપત નામના શખ્સને પીસીબીની ટીમે ઝડપી બુકીનુ નામ ખોલાવવા તજવીજ આદરી હતી. દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ એએસઆઇ હરદેવસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ દેવરાજભાઈ કળોતરા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ગાંધીગ્રામ મેઇન રોડ પર એસ.કે. ચોક શ્રીરામ ડેરી ફાર્મ પાસે રોડ પર મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલા શખ્સની પૂછતાછ કરતા તેને પોતાનું નામ મહિપત મહેન્દ્રભાઈ પરમાર (ઉ.વ. 40 રહે. ગાંધીગ્રામ, અક્ષરનગર મેઇન રોડ, લાખના બંગલા)ની સામે હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીના મોબાઇલ ફોનની તપાસ કરતા આ શખસ મોબાઇલમાં સીએનસી247 ડોટ કોમ નામની આઈડીમાં આઈસીસી વર્લ્ડકપની શ્રીલંકા-ન્યૂઝીલેન્ડની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું માલુમ પડ્યું હતું. મોબાઈલ આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમી રહેલો આ શખસ ગેસ રીપેરીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા તજવીજ આદરી છે.
પ્રેમલગ્ન કરનાર બહેનને માર મારી ધમકી આપતો ભાઇ
ગોંડલના મોવિયા ગામે રહેતી પરિણીતાને તેના સગા ભાઈએ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી તેના ભાઈએ તેના પર આ હુમલો કર્યો હતો. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે. બનાવ અંગે, મોવિયા ગામે સંતોષી માતાના મંદિરવાળી શેરી બંધીયા રોડ પર રહેતા ભૂમિબેન હાર્દિકભાઈ સાંડપા(ઉ.વ.20) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મોવિયા ગામમાં જ રહેતા તેના સગા ભાઈ ધવલ રવજી દાફડા (ઉ.વ.22) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણે મોવિયા ગામના હાર્દિક સાંડપા પાસે પ્રેમલગ્ન કર્યા હોય અને તે તેની સાથે મોવિયા ગામે જ રહેતી હોય જે વાત તેના ભાઈ ધવલ દાફડાને પસંદ ન હતી. બહેને કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી તેણે ગઇકાલે સાંજે બહેના ઘરે આવી તેની સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
