જેતપુરમાં 20થી વધારે ગુન્હા ધરાવતી મહિલાના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન

600 ચોરસ મીટરથી વધુની સરકારી જમીન તંત્રએ ખાલી કરાવી

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો વિરૂદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશના ભાગરૂપે જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અનેક ગુનાઓમાં સંડોવાયેલી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું આશરે 600 ચોરસ મીટરથી વધુનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. રાજ્યના ડી.જી.પી. ડો. કે.એલ.એન. રાવ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ઇસમોની યાદી તૈયાર કરી કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જેતપુર ઉધોગનગર પોલીસે નવાગઢ વિસ્તારમાં રહેતી વિલાસબેન મહિપતભાઈ ચાવડા નામની મહિલાએ સરધારપુર દરવાજા પાસે આશરે 600 ચોરસ મીટરથી વધુની સરકારી જમીન પર અનઅધિકૃત રીતે દબાણ કરીને મકાન બનાવ્યું હતું. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડો. એમ.એમ. ઠાકોર અને પીએસઆઈ એલ.ડી. મેતાની ટીમ દ્વારા મામલતદાર શહેર/ગ્રામ્ય તથા જેતપુર-નવાગઢ નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમોને સાથે રાખીને આ ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ મહિલા વિરુદ્ધ જેતપુર ઉદ્યોગનગર અને જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015થી અત્યાર સુધીમાં દારૂબંધી (પ્રોહિબિશન)ના અંદાજે 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગેરકાયદેસર વીજ જોડાણ બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી સ્થાનિક અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ