અગાઉ ત્રણ ઝડપાયા બાદ ચોથા આરોપીની ધરપકડ
રાજકોટમાં ચર્ચાસ્પદ ભાવેશ વણવી મર્ડર કેસમાં મુખ્ય સૂત્રધાર હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લઈ આકરી કાર્યવાહી કરી હતી. તેમજ અન્ય બાકી રહેતાં આરોપી પણ હાથવેંતમાં હોવાનું સામે આવી રહ્યું છે. બનાવ અંગે 25 વર્ષીય યુવાન રાહુલભાઈ કાનજીભાઈ પરમારે આરોપી તરીકે હમીર મેરાભાઈ જોગરાણા અને ચારથી પાંચ અજાણ્યા શખ્સોનું નામ આપી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.15 ના તેમના મિત્ર ભાવેશભાઈ ડાયાભાઈ વાણવીને મળવા સોપાન હાઇટસ પાસે ગયેલ હતો. જયા તેની સાથે ભાવેશનો ભત્રીજો પ્રિન્સ સુનિલભાઈ વાણવી પણ હાજર હતો. ત્યારે ભાવેશભાઈએ તેના ઘરે જમવાનું કહેલ જેથી બાઈકમાં ભાવેશભાઈને પાછળ બેસાડી તેમજ પ્રિન્સ તેનુ બાઈક લઈને આવતો હતો. દરમિયાન તેઓ દ્વારકેશ પાર્ક મેઇન રોડ ડ્રીમ સિટીની સામે પહોંચતા ચારથી પાંચ અજાણ્યા શખ્સો સ્વીફટ તથા બાઇક લઈને અચાનક પાછળ આવેલ અને લાકડી, ધારિયા, કુહાડી વતી ભાવેશભાઈને મારવા લાગેલ હતા. જેથી પ્રિન્સ ત્યાં ઉભો રહેતા સામાવાળા તેને માર મારવા લાગેલ હતા. હુમલાખોરો ભાવેશભાઈને સ્વીફ્ટ ગાડીમાં બેસાડી લઈ ગયેલા હતા. બાદ ઇજાગ્રસ્ત પ્રિન્સને લોહીલુહાણ હાલતમાં સારવારમાં હોસ્પિટલમાં લઈ જવા નીકળેલ હતો. ત્યારે રસ્તામાં પ્રિન્સને પુછતા મને વાત કરેલ કે, હમીર મેરા જોગરાણાને ચીચોડો રાખવા બાબતે ભાવેશભાઈએ કમ્પ્લેઇન કરેલ હોય જેનો ખાર રાખી હમીર જોગરાણા તથા અન્ય માણસોએ આવી અમારી સાથે ઝઘડો કરી લાકડી-ધારીયા વડે હુમલો કર્યો હતો. ત્યારે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમા ભાવેશભાઈની પણ સારવાર ચાલુ હતી. તેને માથામાં-હાથમાં તેમજ શરીરે તિક્ષ્ણ હથીયારના ઘા વાગેલા હતા. બનાવ અંગે યુની. પોલીસે હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ સહિતનો કલમો હેઠળ ગુનો નોંધ્યા બાદ ભાવેશ વણવીનું સારવાર દરમ્યાન મોત નિજપતા હત્યાની કલમનો પણ ઉમેરો કરી વધું તપાસ એસીપી એસસી/એસટી સેલ ચિંતન પટેલ અને ટીમે આદરી હતી. જે બનાવમાં મુખ્ય સૂત્રધાર પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો રહેતાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ ભરત બસીયા અને ટીમે હત્યાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર હમીર મેરા જોગરાણાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય આરોપી પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
અગાઉ ત્રણ આરોપીને પોલીસે દબોચી લીધા હતા
રૈયાધાર વિસ્તારમાં ભાવેશ વણવી હત્યાના બનાવમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ત્યારબાદ એક્શનમાં આવેલ પોલીસની ટીમોએ તુરંત જ ત્રણ આરોપીને દબોચી લીધા હતા જેમાં એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમે આરોપી રવિ મેરા જોગરાણા (ઉવ.33),સાગર મેરા જોગરાણા (ઉવ.26) અને ગોપાલ મેરા જોગરાણા (ઉવ.22),( રહે.બધા રૈયાધાર,રાધેશ્યામ ગૌશાળા ની સામે શેરી નં.2,મફતીયાપરા) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે આ હત્યાના બનાવમાં હજું દેવકરણ, ભુરો અને વિક્રમ નામના શખ્સની શોધખોળ યથાવત રાખી છે.
