રાજકોટમાં મોર્નિંગવોકમાં નીકળેલા વૃધ્ધનું કારની હડફેટે કરૂણ મોત

ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ

કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આજે વહેલી સવારે વોકિંગ પર નીકળેલા વૃદ્ધ ચંદ્રકાંતભાઈ કામદારને કારે હડફેટે લીધા હતા. બનાવમાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક નિવૃત્ત જીવન જીવતા હતા. તેઓને અકસ્માત બાદ ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં મૃત જાહેર કરાયા હતા. માલવીયાનગર પોલીસનો સ્ટાફ તત્કાલ અકસ્માત સ્થળ પર દોડી ગયો હતો. કાર ચાલકની અટકાયત કરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, ચંદ્રકાંતભાઈ ભોગીલાલ કામદાર (ઉંમર વર્ષ 73 રહે.જલારામ 1, રામકૃષ્ણ એપાર્ટમેન્ટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ) આજરોજ સવારે 7.20 વાગ્યા આસપાસ પોતે રાજકોટના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે ચાલીને જતા હતા ત્યારે રાધિકા જવેલર્સ પાસે પહોંચતા પુર પાટ ઝડપે આવેલી કારે વૃદ્ધને ઠોકરે લીધા હતા. તેઓને ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અત્રે ફરજ પર રહેલા ડો. કૃપાલી કોટડીયાએ જોઈ તપાસી ચંદ્રકાંતભાઈને મૃત જાહેર કર્યાં હતા અને સિવિલ પોલીસ ચોકીમાં જાણ કરતા સિવિલ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ મહેશભા જોગડા, ચિત્રકેતુસિંહ, ધર્મેન્દ્રભાઈ, રવિભાઈ, પ્રતાપભાઈએ નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. માલવીયાનગરથી પીએસઆઈ આર. આર. કોઠીયા તેમની ટીમ સાથે રાજકોટ સિવિલ ખાતે દોડી આવ્યા હતા. જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો અને કાર ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી. ચંદ્રકાંતભાઈ હાલ નિવૃત્ત હતા. તેમને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. ઘરના મોભીના અકાળે મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.

રિલેટેડ ન્યૂઝ