શાપુર-સરાડિયા-વાયા કુતિયાણા-વાંસજાળીયાની રેલ્વે લાઈન સંપૂર્ણ પણે ફાટક વગરની બનશે
રેલવે વિભાગ દ્વારા શાપુર-સરાડિયા-વાયા કુતીયાણા-વાંસજાળીયાની રેલ્વે લાઈન શરૂ કરવા પ્રથમ સર્વે 2025 માં કર્યા બાદ હાલ બીજો ફાઈનલ સર્વે ગત તા. 31-3-2026 થી શાપુર ખાતેથી યુધ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ભજન ઈન્ફ્રાટેક પ્રા.લી. કંપની દ્વારા નાળા-પુલીયા બ્રીજ ઓવરબ્રીજ બનાવવા માટે બોરીંગ કરી ટેસ્ટીંગ કરવામા આવશે, આ સાથે શાપુર – સરાડિયા રેલ્વે લાઈન સંપુર્ણપણે ફાટકલેશ બનશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રોજેકટ મેનેજર ભાવિક પરમારનાં જણાવ્યા મુજબ હાલ શાપુર-સરાડિયાનાં જે જુના ટ્રેક પર બોરીંગ મશીન દ્વારા 10 મીટર ઉડે સુધી સોઈલ ટેસ્ટના બોર બનાવવામાં આવી રહયા છે. જેમાં ભુતળમાં જમીનમાં માટી કેટલી ઉંડાઈ સુધી છે, પથ્થર કેટલો ઉંડો છે, કયા પ્રકારનો પથ્થર છે, તેની કેપીસીટી કેટલી છે તેનાં સેમ્પલો લેવામાં આવી રહયા છે. જે 26 થી વધુ માટી, પથ્થરનાં સેમ્પલો સુરત લેબમાં મોકલવામાં આવી રહયા છે. જેનો રીપોર્ટ 15 દિવસમાં આવી જતો હોય છે. ફાઈનલ રીપોર્ટ આવ્યા બાદ તેના ઉપરથી નાલા-પુલીયા-બ્રીજ-ઓવરબ્રીજની ફાઈનલ ડીઝાઈન તૈયાર કરવામાં આવશે. આ સાથે પ્રોજેકટ મેનેજરે વધુમાં જણાવ્યુ હતુ કે બ્રીજ-નાલા-પુલીયા કે ઓવરબ્રીજ ઉપરથી ઈલેકટ્રીક બ્રોડગેજ પસાર થાય કે ગુડઝ ટ્રેન પસાર થાય તેના માટે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેની ચકાસણી આ પાયાનાં ટેસ્ટીંગ દ્વારા કરવામાં આવી રહી છે.
એક રેલ્વે અધિકારીનાં જણાવ્યા પ્રમાણે શાપુર-સરાડિયા રેલવે લાઇન વચ્ચે એકપણ રેલવે ફાટક નહી મુકવામાં આવે. જે ભુતકાળમાં રેલ્વે ફાટકો હતી તે પણ નીકળી જશે. હાલ શાપુરથી વંથલી-મેઘપુર વચ્ચે 34 નાલા-પુલીયા-બ્રીજ-ઓવરબ્રીજ બનશે. જે માટે જમીનની કેપીસીટી પ્રમાણે તેની ઉંડાઈ નકકી કરી બ્રીજની ડીઝાઈન બનાવી તે ડીઝાઈન ફાઈનલ ડીઝાઈન બનશે. હાલ જે જુના બ્રીજ ઉભા છે તે નાલા-પુલીયા સહિતને પહોળા લાંબા બનાવવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, 114 વર્ષ જુની શાપુર-સરાડિયા ટ્રેન છેલ્લા 42 વર્ષથી શાપુર હોનારત બાદ અમુક ટ્રેકના ધોવાણ બાદ બંધ કરી દઈ 1992 માં રેલ્વેનાં નકશામાંથી કાયમ માટે કાઢી નાખી પાટા-સલેપાટ સહિતનું જાહેર લીલામ થયા બાદમાં ટ્રેનને પુન: સ્થાપિત કરવા માટે આ વિસ્તારના લોક સેવક રાકેશ લખલાણીએ વારંવાર લેખીત મૌખીક રજુઆતો બાદ વોઈસ ઓફ સોરઠનાં નેજા નીચે બીનરાજકીય લડતનાં મંડાણ 2022 માં કરી, જે તે વખતનાં સાંસદ રમેશભાઈ ઘડુકને સાથે રાખી દિલ્હી રેલ્વે કેબીનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવને ચાર ચાર વખત દિલ્હી રજુઆતો કરવામાં આવી હતી. અને તેમનાં હકારાત્મક અભિગમ બાદ પણ રેલ્વે તંત્રએ આંખ આડા કાન કરતાં વર્ષ 2023 માં બાંટવા ખાતે “વોઈસ ઓફ સોરઠ” નાં ક્ધવીયર રાકેશ લખલાણીએ અન્નનો ત્યાગ કરી મોટુ લોક આંદોલન શરૂ કરી અનશન શરૂ કરતાં નવા વરાયેલા સાંસદ અને કેબીનેટ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની આ માંગને સ્વીકારી આ વિસ્તારનાં સર્વાગી વિકાસ માટે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાતચીત કરી પ્રશ્ન હલ કરી, રેલ્વે બોર્ડ દ્વારા તા.3-8-2025 ના જાહેરાત કરાવી હતી, અને બાદમાં ભાવનગર ખાતે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેર સભામાં શાપુર-સરાડિયા ટ્રેનની પુન:સ્થાપિત કરવાની સાથે સરાડિયાથી આગળ વાયા કુતીયાણા-વાંસજાળીયા (પોરબંદર) સાથે જોડવાની સતાવાર જાહેરાત કરી હતી. અને ગત માસે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા બાંટવા ખાતેનાં એક કાર્યક્રમમાં આ અબજો રૂપીયાનો પ્રોજેકટ છે, જે પાંચ વર્ષમાં સાકાર થઈ જશે તેમ જણાવ્યું હતું.
