રાજકોટમાં પીડબલ્યુડીની મહીલા કલાર્કનો સ્યુસાઇડનોટ લખી ફાંસો ખાઇ આપઘાત

નણંદ ઘરે આવતા ભાભીને લટકતી હાલતમાં જોતા અરેરાટી
(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ. તા.28: રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ આર.એન.બી બિલ્ડીંગના ગવર્મેન્ટ ક્વાર્ટરમાં જ પીડબ્લ્યુડીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહિલા ક્લાર્કએ સ્યુસાઇડ નોટ લખી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી મચી ગઈ હતી. હું મારી મરજીથી પગલું ભરૂ છું લખી અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે જાણ થતાં એ.ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્યુસાઇડ નોટ કબ્જે કરી તપાસ આદરી હતી. પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞિક રોડ પર આવેલ આરએન્ડબી બિલ્ડીંગ ગવર્મેન્ટ ક્વાર્ટર જી-2 માં રહેતા હીનાબેન સૌરભભાઈ ડોડીયા (ઉ.વ.30) એ ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ પોતાના જ ક્વાર્ટરમાં હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે બાદ તેમની સાથે રહેતાં નણંદ જે એઈમ્સમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેવો તે ક્વાર્ટરે પહોંચતા દરવાજો અંદરથી બંધ હતો. જે બાદ આસપાસના પડોશીઓને બોલાવી ક્વાર્ટરનો દરવાજો ખોલતા ભાભી હીનાબેન ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા અક્રંદ મચાવ્યો હતો. જે બાદ હાજર લોકોએ તુરંત જ 108 બોલાવી તેણીને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ત્યાં હાજર તબીબે હીનાબેનને તપાસી મૃત જાહેર કર્યા હતા. જે બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી એ. ડિવિઝન પોલીસને જાણ કરતા પીએસઆઇ એચ. જે. સોલંકી સહિત સ્ટાફ તુરંત જ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક હીનાબેનનું માવતર સુરેન્દ્રનગર છે. તેઓના બે વર્ષ પહેલા જ સૌરભભાઈ ડોડીયા સાથે લગ્ન થયેલ હતા. મૃતક હીનાબેન પીડબલ્યુડી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેઓના પતિ સૌરભભાઈ કુવાડવા જીઆઇડીસીમાં કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને તેમની સાથે રહેતા નણંદ એઇમ્સમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. પોલીસને મૃતક પાસેથી મળેલ સુસાઇડ નોટમાં હું મારી મરજીથી પગલું ભરું છું, આમાં કોઈનો વાંક નથી લખેલ હતું. જેથી પોલીસે બનાવનું પ્રખર કારણ જાણવા પણ તપાસ યથાવત રાખી હતી. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ