રાજકોટમાં હાઇરાઇઝ-લોરાઇઝની અલગ અલગ વીંગમાં આ રીતે થતી પાણીચોરી પકડવા બનશે ચેકિંગ સ્કવોર્ડ
રાજકોટ મનપાની વોટર વકર્સ શાખાએ પાણીચોરી સામે શરૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં એક ચોંકાવનારી હકિકત એ સામે આવી છે કે, હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડીંગને અપાયેલા કનેકશનના રીડીંગ મીટીર બંધ રાખીને મેઇન વાલ્વની ડુપ્લીકેટ ચાવી બનાવીને મોટાપાયે પાણીચોરી થઇ રહી છે. ન્યુ રાજકોટમાં મીટર રીડીંગ બંધ હોય તેવા હાઇરાઇઝ અને લો-રાઇઝ સોસાયટીની અલગ અલગ વીંગ સહિત આવા 1100થી વધુ યુનિટને મનપાએ નોટિસ ફટકારી છે. રાજકોટમાં મનપાએ આપેલા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા વાલ્વમેન ચોક્કસ હાઇરાઇઝ બિલ્ડીંગના એસોસિએશન સાથે રૂ.5 હજારથી રૂ.15 હજાર સુધીનો ‘વહીવટ’ કરી લાઇન વધુ વખત ચાલુ રાખવા ઉપરાંત બિલ્ડીંગના વોટર કનેકશનમાં પણ નિયમ ભંગ કરીને પાણીચોરી થતી હોવાનો દેકારો છેલ્લે મળેલા જનરલ બોર્ડમાં ખુદ નગરસેવકોએ જ કર્યો હતો. અધિકારીઓ ઉપર બોલેલી તડાપીટ બાદ પાણીચોરી રોકવા માટે વોર્ડવાઇઝ ચેકીંગ ટુકડીઓ બનાવીને સઘન ઝુંબેશ શરૂ કરી દેવામા આવી છે. એ દરમિયાન કેટલિક હાઇરાઇઝ, લોરાઇઝ બિલ્ડીંગોની પાણીચોરીના કિસ્સા બહાર આવી રહ્યા છે. નોંધનીય છે કે, પશ્ચિમ રાજકોટમાં છેલ્લા વર્ષોમાં હાઇરાઇઝ બિલ્ડીંગની સંખ્યા ખુબ વધી છે. હયાત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાંથી જ નવી ઇમારતોમાં રહેતા પરિવારોને પાણી આપવામાં આવે છે. પરંતુ ન્યુ રાજકોટના મવા, મવડીથી માંડીને નવા રીંગ રોડ સુધીના અનેક ઇમારતમાં પાણી ચોરી કરાતી હોવાની ફરિયાદો વચ્ચે છેલ્લા પંદર દિવસમાં આવી સાતથી વધુ મોટી સોસાયટીમાં મેઇન વાલ્વની ડુપ્લીકેટ ચાવી બનાવીને મનપડે ત્યારે લાઇન ખોલીને પાણીચોરી થતી હોવાના કિસ્સા પકડાયા છે. આ રીતે થતી પાણીચોરી પકડાય નહીં તે માટે ચાલાકી એ વાપરવામા આવે છે કે લોરાઇઝ અને હાઇરાઇઝ બિલ્ડીંગોની મોટી સોસાયટીને અપાયેલા વોટર કનેકશનના રીડીંગ મીટીર જ બંધ કરી નાખવામા આવે છે. પરિણામે એ ખબર ન પડે કે કઇ જગ્યાએ કેટલુ પાણી છોડવામા આવ્યુ. આ રીતે અપનાવામા આવતી ચાલાકી સામે આવ્યા બાદ મનપાએ ન્યુરાજકોટના લગભગ તમામ હાઇરાઇઝ અને લો-રાઇઝમાં ચેકીંગ કરતા રીડીંગ મીટર બંધ હાલતમાં હોય તેવી બિલ્ડીંગોના કુલ 1100થી વધુ વીંગને નોટિસ ફટકારવામા આવી છે.
વાલ્વમેને રીડીંગ લખીને ડે ટુ ડે રિપોર્ટ મોકલવાનો રહેશે
ચોક્કસ હાઇરાઇઝ અને લોરાઇઝ બિલ્ડીંગમાં થતી બેફામ પાણીચોરી પાછળ ક્યાંકને ક્યાંક વાલ્વમેનનું બારોબાર શેટિંગ કારણભૂત હોવાનું પણ સામે આવ્યુ છે. રૂ.5 હજારથી 15 હજાર સુધીનો વહીવટ કરી નાખવામા આવે છે. ત્યારે વાલ્વમેનની આવી તગડી ‘પ્રેકટિસ’ વચ્ચે પણ રીડીંગ લખીને ડે ટુ ડે મોકલવાની જવાબદારી પણ તેને જ સોંપવામા આવી છે. એક રીતે બિલાડીને દૂધના રખોપા સોંપવા જેવી વાત છે. જો કે આ અંગે મનપાના વોટર વકર્સ શાખાના સિટી ઇજનેરના જણાવ્યા મુજબ રીડીંગ રિપોર્ટ મુજબ નિયમિતપણે આકસ્મિક ચેકીંગ મનપાના ઇજનેરો દ્વારા કરવામા આવશે.
