અલગ-અલગ બંને બનાવની પોલીસે ગુમ નોંધ દાખલ કરી શોધખોળ હાથ ધરી
રાજકોટ શહેરમાં બે જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વ્યક્તિઓ અચાનક ગુમ થયા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક કિસ્સામાં માતાના ઠપકાથી નારાજ પુત્ર ઘર છોડીને ચાલ્યો ગયો છે, જ્યારે બીજા કિસ્સામાં પતિ સાથેના ગૃહકંકાસ બાદ સગર્ભા મહિલા હોસ્પિટલ ચોક પાસેથી અચાનક ગુમ થઈ ગઈ છે. આ બંને બનાવો અંગે ભક્તિનગર અને પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે અને પોલીસે ગુમ થનાર વ્યક્તિઓની શોધખોળ માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ખોડિયારનગર શેરી નં. 3/4ના ખૂણે કમલેશભાઈ વેકરીયાના મકાનમાં ભાડેથી રહેતા 26 વર્ષીય કેયુર જગદીશભાઈ ખુંટ નામના યુવકના ગુમ થવાની નોંધ થઈ છે. યુવકના માસીયાઈ ભાઈ ચિંતન કાન્તીભાઈ પાંભરે પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલી વિગતો મુજબ, મજુરી કામ કરતો કેયુર ગત તા. 06/09/2026ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હતો, ત્યારે તેના માતા હંસાબેને કોઈ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી મનમાં લાગી આવતા કેયુર પરિવારમાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનો દ્વારા તેની તમામ સંભવિત જગ્યાઓએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે ભક્તિનગર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.
બીજા બનાવમાં પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલિયાસણ ગામની રામપાર્ક સોસાયટી શેરી નં-01માં રહેતી 21 વર્ષીય પરણિત મહિલા મીતલબેન રોહિતભાઈ મેતારીયા ગુમ થઈ છે. તેના પતિ રોહિતભાઈ વિનુભાઈ મેતારીયા દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, ગત તા. 05/09/2026ના રોજ રાત્રિના આશરે દશેક વાગ્યાના અરસામાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ મીતલબેન હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જતાં રસ્તે એકલા ચાલી ગઈ હતી. અને ત્યારબાદ પરત ફર્યા નહોતા. ગુમ થનાર મહિલા પાંચ માસનો ગર્ભ ધરાવે છે. આ મામલે પ્રધ્યુમનનગર પોલીસે ગુમશુદગી નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
