દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચમાં સાઉથ ઝોન સામે ઈસ્ટ ઝોન તરફથી રમતા ઈશાન કિશને ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે શાનદાર બેવડી સદી ફટકારીને પોતાની ટીમની સ્થિતિ ખૂબ મજબૂત કરી દીધી છે. ઈશાનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ પહેલી બેવડી સદી છે, જ્યારે તે અગાઉ વન-ડે ઈન્ટરનેશનલમાં પણ ડબલ સેન્ચુરી લગાવી ચૂક્યો છે. આ સાથે જ તે દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન તરફથી બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.
270 બોલમાં પૂરી કરી બેવડી સદી
ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને માત્ર 270 બોલ રમીને પોતાની બેવડી સદી પૂરી કરી હતી, જેમાં તેણે 26 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ રહી કે તેણે ચોગ્ગો મારીને જ પોતાની ડબલ સેન્ચુરી પૂર્ણ કરી હતી. ઈશાનની આ ઈનિંગના દમ પર ઈસ્ટ ઝોને પ્રથમ બેટિંગ કરતા 550 રનનો આંકડો વટાવી દીધો છે. ઈસ્ટ ઝોન માટે દુલીપ ટ્રોફીમાં આ પહેલા માત્ર અરુણ લાલ અને સબા કરીમ જ બેવડી સદી ફટકારી શક્યા છે.
39 વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી
દુલીપ ટ્રોફીની ફાઈનલમાં કેપ્ટન તરીકે રમીને સૌથી મોટી ઈનિંગ રમવાનો અંશુમન ગાયકવાડનો 39 વર્ષ જૂનો રેકોર્ડ ઈશાન કિશને તોડી નાખ્યો છે. વર્ષ 1987માં ગાયકવાડે કેપ્ટન તરીકે ફાઈનલમાં 216 રન બનાવ્યા હતા. હવે ઈશાન કિશન દુલીપ ટ્રોફી ફાઈનલમાં કેપ્ટન તરીકે સૌથી મોટો સ્કોર કરનાર બેટ્સમેન બની ગયો છે.
દુલીપ ટ્રોફીમાં માત્ર બે જ ત્રેવડી સદી
દુલીપ ટ્રોફીના ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર બે જ બેટ્સમેન ત્રેવડી સદી (300 રન) ફટકારી શક્યા છે. જેમાં રમણ લાંબાએ 320 રન અને ગગન ખોડાએ 300 રન બનાવ્યા હતા.
