રાજકોટના ચુનારાવાડ ચોકમાં મોબાઈલની દુકાનમાં કાઉન્ટરમાં લુખ્ખાઓએ કરી તોડફોડ

જોઈ લેવાની ધમકી આપી નાસી છૂટેલા શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ : જાહેરમાં સરભરા

રાજકોટના ચુનારાવાડ ચોક પાસે આવેલી જલારામ મુંબઈ નામની દુકાનમાં લુખ્ખાઓએ તોડફોડ કરી વેપારીને ધમકી આપતા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ અલ્તાફ ઉર્ફે ટકાને ઓળખતો નથી તેમ કહેતા તેનો ખાર રાખી તોડફોડ કરી હોય થોરાળા પોલીસમાં ગુનો નોંધાયો છે પોલીસની ઢીલી નીતિ, વહિવટ અને ગુનેગારો સાથેની સાંઠગાંઠને કારણે લુખ્ખાઓ બેફામ બન્યાની ચર્ચા થઈ રહી છે.
રાજકોટના શિતલપાર્ક ચોક પાસે એમ્બિયન્સ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદિપભાઈ પ્રવણભાઇ સેદાણી ઉ.42એ અલ્તાફ ઉર્ફે ટકો અને એક અજાણ્યા શખ્સ સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પખવાડિયા પહેલા તેની દુકાનેથી અજાણ્યો શખ્સ પાવર બેન્ક અને કેબલ લઈ ગયો હતો તે શખ્સ આજે સાંજે તેની દુકાને આવ્યો હતો અને કહ્યું કે પાવરબેન્ક બંધ થઈ ગઈ છે. તેને બદલાવી આપો તેની સામે સી-2-સી પાવરબેન્ક આપો. જેથી તેણે આ પાવરબેન્ક નહીં હોવાનું જણાવી બીજી પાવરબેન્ક લઈ જવાનું કહ્યું હતું. સાથોસાથ પાવરબેન્ક ચેક કરતાં કેબલ બંધ નીકળ્યો હતો. પરિણામે કેબલ બદલાવી આપ્યો હતો. તે સાથે જ તે અજાણ્યા શખ્સે તમે ટકાને ઓળખો છો? તેમ પુછ્યું હતું. ના પાડતા તે શખ્સ દુકાનમાંથી જતો રહ્યો હતો. થોડી વાર બાદ તે શખ્સ અલ્તાફ ઉર્ફે ટકાને લઈને આવ્યો હતો. ટકાએ આવી કહ્યું કે તમે મને ઓળખતા નથી કે હું કોણ છું? ત્યાર બાદ બંને આરોપીઓએ ઝઘડો કરી, અપશબ્દ બોલ્યા હતા. દેકારો થતાં પાડોશી દુકાનદારોએ આવી બંને આરોપીઓને સમજાવ્યા હતા. આમ છતાં સમજ્યા ન હતાં. ટકાએ તું હવે કેમ તારી દુકાન ચાલું રાખે છે તેમ કહી સળિયા વડે દુકાનના કાઉન્ટરના કાચ તોડી નાખ્યા હતાં. જતાં જતાં જોઈ લેવાની ધમકી આપી હતી વેપારીએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી સરભરા કરી હતી.

રિલેટેડ ન્યૂઝ