વર્ષ 2025માં સોનામાં 80 ટકા, ચાંદીમાં 170 ટકાનું રીટર્ન 2026માં સોનુ 6000 ડોલર, ચાંદી 100 ડોલર થઇ શકે

શેરબજારમાં કેટલાંક વખતથી અનિશ્ર્ચિત માહોલ વચ્ચે ઇન્વેસ્ટરોનું ફોક્સ સોના-ચાંદી તરફ છે. જ્યારે નવા વર્ષ 2026માં પણ બન્ને કિંમતી ધાતુઓમાં વિકલી તેજી ચાલુ રહેવાની ભવિષ્યવાણી નિષ્ણાંતોએ કરી છે. સોનુ વિશ્ર્વબજારમાં 6000 ડોલર (હાલ 4315 ડોલર છે) જ્યારે ચાંદી 100 ડોલર (હાલ 72 ડોલર)ને આંબી શકે છે.
નિષ્ણાંતો જો કે, સોના-ચાંદીના નવા રોકાણમાં આંધળુકીયા કરવાના બદલે માર્કેટ ઘટે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ સલાહ આપી રહ્યા છે.
દેશના ટોચના 10 કોમોડીટી નિષ્ણાંતોના સર્વે-અભિપ્રાયોના આધારે એવું તારણ નીકળે છે કે સોના-ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. સોના કરતાં પણ ચાંદીમાં વધુ રીટર્ન મળવાની આગાહી 10માંથી 8 નિષ્ણાંતોએ કરી હતી.
આનંદ રાઠી શેર્સ એન્ડ કોમોડીટીના ડાયરેક્ટર નવિન માથુરના અંદાજ મુજબ બન્ને ધાતુમાં તેજી માટેના ફંડામેન્ટલ કારણો મૌજુદ જ છે. સોનાની તેજી ધીમી ગતિએ આગળ વધશે તેની સરખામણીએ ચાંદીમાં ભાવવધારો ઝડપી હોઇ શકે છે. સોનામાં 16 થી 40 ટકાના ઉછાળાની સંભાવના છે. સર્વેમાં સામેલ 10માંથી 7 નિષ્ણાંતોએ સોનાનો વૈશ્ર્વિક ભાવ 5000 થી 6000 ડોલર થવાનું કહ્યું હતું. જ્યારે બે નિષ્ણાંતોએ 6000થી 6200 ડોલરનું લેવલ જોવા મળવાનું કહ્યું હતું.
ચાંદીને લાગેવળગે છે ત્યાં સુધી 10માંથી 6 નિષ્ણાંતોએ ભાવ 100 ડોલર થવાનું અનુમાન દર્શાવ્યું હતું જે વર્તમાન 72 ડોલરના ભાવ કરતા 40 ટકા વધુ છે. 6માંથી 3 નિષ્ણાંતોએ ભાવ 110 ડોલર થવાનું અને અન્યોએ 80થી 100 ડોલરની રેન્જમાં રહેવાનું કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ 2025માં સોના-ચાંદીમાં જ તેજીની ધૂમ હતી. ભૌગોલિક-આર્થિક સિવાય અન્ય કારણો પણ તેજી માટે જવાબદાર હતા. વર્ષ દરમ્યાન સોનામાં 80 ટકાની તેજી થઇ હતી. 31 ડીસેમ્બર-2024ના રોજ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 78950 હતો તે ગઇકાલે 1.37 લાખ થયો હતો.
ચાંદીને લાગે વળગે છે ત્યાં સુધી વર્ષ દરમ્યાન 170 ટકાનો ભાવવધારો હતો. 31 ડીસેમ્બરે ભાવ 90500 હતો તે ગઇકાલે 2.39 લાખ હતો. નવા વર્ષમાં ભાવ 3 લાખને આંબી જવાની આગાહી છે.

સોના-ચાંદીમાં ઉથલ પાથલ અટકી: વિશ્ર્વબજારો બંધ: નવા ટ્રેન્ડ પર મીટ

સોના-ચાંદીમાં છેલ્લા ત્રણેક દિવસ દરમ્યાન મોટી ઉથલપાથલનું તોફાન આજે અટક્યું-ધીમુ પડ્યું હતું. જો કે, ખાસ કરીને ચાંદીમાં 5000નો ઘટાડો નોંધાયો હતો. સોનામાં ખાસ મોટી મુવમેન્ટ નહતી.
રાજકોટમાં આજે હાજર સોનુ 200 રૂપિયાના સુધારાથી 137400 હતું. ચાંદી 5000ના ઘટાડાથી 233600 હતી. કોમોડીટી એક્સચેંજમાં ભાવ અનુક્રમે 135691 તથા 235720 હતા. ચીન સહિતના દેશોમાં નવા વર્ષની રજા હતી. એટલે વર્લ્ડ માર્કેટમાં પણ નિરસતા હતી. વૈશ્ર્વિક સોનુ 4319 ડોલર તથા ચાંદી 71.67 ડોલર હતી.
વેપારીઓના કહેવા પ્રમાણે નવા વર્ષની રજા બાદ કાલથી નવા કામકાજ શરૂ થાય ત્યારે ટ્રેન્ડ કેવો રહે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે. વાયદામાં કામ કરતા ટ્રેડરોથી માંડીને વેપારીઓ સુધી તમામ વર્ગની નજર છે. નાતાલ-નવા વર્ષની ડીમાંડ ખત્મ થવા સાથે માર્કેટને પ્રભાવિત કરતા નવા પરિબળો ઉભા થાય છે કે કેમ તેના પર નજર છે. મોટી મુવમેન્ટને કારોબારને મોટો ફટકો પડ્યો હોવાનું સ્પષ્ટ છે. માર્કેટ સ્થિર થયા બાદ વેપારમાં ફરી ધમધમાટ આવી શકે છે. અન્યથા સાવચેતી જ રહેવાનું મનાય છે.

રિલેટેડ ન્યૂઝ